ખંભાળિયામાં માનવ સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો

 

110 જેટલા દર્દીઓએ લાભ લીધો

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં માનવ સેવા સમિતિના ઉપક્રમે અહીંની લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે તાજેતરમાં નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુ.કે.ના રીનાબેન તથા શરમીલભાઈના પુત્ર શિવયાનના જન્મદિવસની ઉજવણી પ્રસંગે લેસ્ટર(યુ.કે.) નિવાસી આશાબેન તથા રમેશભાઇ પાબારીના સંપૂર્ણ આર્થિક સહયોગથી વિનામૂલ્યે આંખના નિદાન સારવાર કેમ્પ તથા ઓપરેશનના આ આયોજન પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના ખજાનચી જગદીશભાઈ ચાવડાએ સૌને આવકાર્યા હતા. સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ દાતા પરિવારનો પરિચય આપી અને હોસ્પિટલની રૂપરેખા આપી હતી.

આ કેમ્પનો લાભ 110 જેટલા જરૂરિયાતમંદ દર્દીને લઇ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. કેમ્પમાં 37 જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાતાં બદીયાણી હોસ્પિટલ ખાતે જ આંખના નિષ્ણાત ડો. વિવેકભાઈ પરમાર દ્વારા ક્રમશઃ ઓપરેશન કરી, નેત્રમણી પણ વિનામૂલ્યે મુકી આપવામાં આવશે. જે અંગેનો તમામ ખર્ચ આશાબેન તથા રમેશભાઈ પાબારી દ્વારા સાંપડ્યો છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના અગ્રણી વેપારી હેમરાજ લક્ષ્મીદાસ મજીઠીયાવાળા અરુણભાઈ મજીઠીયાએ આ તકે હોસ્પિટલ દ્વારા અપંગોને સાધન સહાય માટે અપાતાં સાધનો ખરીદવા માટે આર્થિક અનુદાન, સેવાકીય પ્રવૃત્તિ માટે આપવા જાહેર કર્યું હતું. દાતા પરીવારના રમેશભાઈ પાબારીએ આયોજનથી સંતોષ વ્યક્ત કરી, નિયમિત રીતે આર્થિક સહયોગ આપવા તત્પરતા દર્શાવી હતી.

આ આયોજનમાં સંસ્થાના ટ્રસ્ટી નાથાલાલભાઈ બદીયાણી, વિમલભાઈ સાયાણી તેમજ સુભાષભાઈ બારોટએ ઉપસ્થિત રહી, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શહેરના એડવોકેટ રમેશભાઈ માંડાણી તથા ભાસ્કરભાઈ મલકાને ઉપસ્થિત રહી, પ્રાસંગિક પ્રવચનમાં દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં જરૂરી વ્યવસ્થા પણ દાતા પરિવારના આશાબેન પાબારી દ્વારા કરવામાં આવી હતી. અંતમાં આભાર દર્શન સેક્રેટરી મનુભાઈ પાબારીએ કર્યુ હતું. આ કેમ્પને સફળ બનાવવા હોસ્પિટલના મેનેજર અભિષેક સવજાણી તથા રાહુલ કણજારીયાએ જહેમત ઉઠાવી હતી.