ખંભાળિયામાં જલારામ બાપાની પુણ્યતિથી નિમિત્તે પાર્સલરૂપે પ્રસાદ વિતરણ કરાશે

 

લોહાણા મિત્ર મંડળ દ્વારા આયોજન

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની 141 ની પુણ્યતિથિની ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે અહીંની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી લોહાણા મિત્ર મંડળની ટીમ દ્વારા પુજ્ય જલારામ બાપાની પ્રસાદીનું રઘુવંશી પરિવારોને પાર્સલ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.

પુજ્ય જલારામ બાપાની જન્મ જયંતી તથા પુણ્યતિથિની ખંભાળિયામાં દર વર્ષે લોહાણા સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. ખંભાળિયાના મિત્ર મંડળની ટીમ દ્વારા પૂજ્ય જલારામ બાપાની આગામી 141 મી પુણ્યતિથિ નિમિત્તે પાર્સલ સ્વરૂપે દરેક પરિવારને જલારામ બાપાની પ્રસાદી મળે તે હેતુથી હાથ ધરવામાં આવેલા આયોજન અંતર્ગત તા. 19 મી થી તા. 21 ફેબ્રુઆરી સુધી આ માટેની નોંધણી કામગીરી હાથ ધરવામાં આવશે. અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા લોહાણા મહાજન વાડી ખાતે આ ત્રણ દિવસ દરમિયાન સાંજે 5 થી 8 વાગ્યા સુધી મહાપ્રસાદ નોંધણી કરવામાં આવશે. જ્યારે મહા પ્રસાદ વિતરણ આ જ સ્થળેથી શનિવાર તારીખ 26 મી ફેબ્રુઆરીના રોજ સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન કરવામાં આવશે

હાલ કોરોનાની પરિસ્થિતિમાં શહેરમાં સમુહ પ્રસાદી શક્ય ન હોવાથી આ પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં સહભાગી થઈ, સહકાર આપવા લોહાણા મિત્ર મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.