દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોએ સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવી

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર http://www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડુત) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 માટે આઈ-ખેડુત પોર્ટલ તા. 21 ફેબ્રુઆરીથી તા. 21 માર્ચ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.

આથી ખેડુતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 2022-23 થી ખેડુતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. જેથી અરજદારે ઓનલાઈન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. ઓનલાઈન કરેલી અરજીને ખેતીવાડી વિભાગ દ્વારા જો પુર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડુતે સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ જે-તે કચેરીએ રજુ કરવાનો રહેશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.