પાંખ વગરની ‘મસી’ને જીવન ટકાવવા પાંખ મળતા જ શરુ થાય છે ઉપદ્રવ !

સૌરાષ્ટ્રમાં રાયડાનું વાવેતર વધતા મસીનો ઉપદ્રવ વધ્યો :ગામે – ગામ સાંજ પડેને મસીના ટોળે – ટોળા ત્રાટકતા લોકો ત્રાહિમામ

કુદરતની કમાલ એવી મસી ને સ્થળાંતર માટે પાંખ ફૂટે છે ! લીપાફીસ એરીસીમી અથવા તો મસ્ટર્ડ એપિડ તરીકે ઓળખાતી આ જીવાતને આપણે મોલો મસીના નામે ઓળખીએ છીએ

દ્વારકા : સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામે – ગામ સાંજ પડેને મસીના ટોળે – ટોળા ઉડાઉડ કરતા હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ખાસ કરીને વાહનચાલકોને તો ચશ્માં, માસ્ક પહેરવા છતાં મસીની કનડગતથી ઉભું રહી જવું પડે તેવી સ્થિતિ ઉદભવી છે ત્યારે આ સ્થિતિ માટે રાયડાનો પાક જવાબદાર હોવાનું ખેતીવાડીક્ષેત્રના તજજ્ઞો જણાવી રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ જોવા મળતી આ મસી પ્રકારની જીવાતનું જીવનચક્ર પણ અજીબો ગરીબ છે.પાંખ વગર જ જીવન જીવતી મસી જીવાતને રાયડાની કાપણીનો સમય આવતા જ પાંખ ફૂટી નીકળે છે અને આ પાંખ આવતા જ મસીનો ઉપદ્રવ શરૂ થાય છે.

જીવ વૈવિધ્યતાથી ભરેલી આ સૃષ્ટિમાં કુદરતે અનેક નાના મોટા જીવ બનાવ્યા છે જેમાં હાલમાં જોવા મળતી મસી નામની જીવાંત ખુબ જ અજીબો ગરીબ અને ખૂબીઓ ધરાવતો જીવ છે. સાંજ પણે ને આપણા,મો, કપડાં ઉપર ઉડીને ચીપકી જતી આ મસી જીવાંતથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. પણ સ્વાભાવિક પણે જ નાના બાળકોની જેમ આપણને પણ જિજ્ઞાસાવૃત્તિ જાગે છે કે અચાનક જ આ જીવાંત ક્યાંથી આટલી મોટી સંખ્યામાં આવી ચડે છે ? પરંતુ આ વાતનો જવાબ મળતો નથી. પરંતુ આજે મસી નામની જીવાંત અંગે ખેતીવાડી વિભાગના ડો.હસમુખ ઝીંઝુવાડિયા પાસેથી રસપ્રદ વિગતો મેળવી અહીં રજૂ કરી છે.

આપણે મોલો – મસી જેવા સામાન્ય નામથી ઓળખીયે છીએ તેવી આ જીવાંતનું વૈજ્ઞાનિક નામ લીપાફીસ એરીસીમી અથવા તો મસ્ટર્ડ એપિડ છે. આ જીવાંત રાયડાના પાકમાં વધુ પ્રમાણમાં થતી હોય તેનેં મસ્ટર્ડ એપિડ નામ મળેલું છે.અત્યંત પ્રજનન ફળદ્રુપતા ધરાવતી મસી એટલે કે મસ્ટર્ડ એપિડ એક જ વર્ષમાં એક, બે નહીં પુરી 35 પેઢીને જન્મ આપે છે.એક માદા મસી 20થી 40 દિવસ સુધી દરરોજ છ જેટલા બચ્ચાઓને જન્મ આપે છે જેના પરથી મસ્ટર્ડ એપિડની વસ્તી વૃદ્ધિનો ખ્યાલ માપવો મુશ્કેલ છે.

મસીના ઉપદ્રવ અંગે ડો.ડો.હસમુખ ઝીંઝુવાડિયા કહે છે કે, મસ્ટર્ડ એપિડ એટલે કે મસી રાયડાની કાપણીનો સમય આવતા જ પોતાના માટે સુરક્ષિત રહેણાંક શોધવા માટે સામુહિક રીતે આમથી તેમ ઉડાઉડ કરવાની શરૂઆત કરે છે.મજાની વાત્તતો એ છે કે જન્મથી મસીને પાંખ નથી હોતી પરંતુ માઈગ્રેટ થવાનો એટલે કે સ્થળાંતર થવાનો સમય આવતા જ કુદરત મસીને પાંખોની ભેટ આપે છે. સમૂહમાં ઉડાઉડ કરીને માનવજાતને પરેશાન કરતી મસી હકીકતમાં પોતાના માટે નવું સરનામું શોધતી હોય છે.

વધુમાં મસીને રહેવા માટે રાયડા કુળની જ ગણાતી કોબીજ,ફ્લાવર, મૂળા જેવી વનસ્પતિઓ વધુ પસંદ હોવાની સાથે સફેદ અથવા તો પીળો રંગ વધુ આકર્ષિત કરતો હોય મસીના આક્રમણ એટલે કે ઉડવાની પ્રક્રિયા દરમિયાન સફેદ,પીળા વસ્ત્રો અને આવા કલરના વાહનો ઉપર વધુ પ્રમાણમાં ચીપકી જતી હોવાનું પણ જોવા મળે છે.

નોંધનીય છે કે પાછલા વર્ષોની સરખામણીએ ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાયડાનું વાવેતર વધ્યું હોવાથી ઓણસાલ મસી એટલે કે મસ્ટર્ડ એપિડ નામની જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે અને ગરમી વધતા મસીનો ઉપદ્રવ કુદરતી રીતે જ સમી જશે તેમ અંતમાં ડો.હસમુખ ઝીંઝુવાડિયાએ ઉમેર્યું હતું.