આવતીકાલથી વીસ યુવા તરવૈયાઓ ખેડશે દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયો

દ્વારકાથી 215 કિલોમીટરનું અંતર કાપી, દરિયાઈ માર્ગે તરીને જનારા તરવૈયાઓનું ઠેર – ઠેર કરાશે અદકેરું સ્વાગત

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દરિયામાં 20 જેટલા યુવાઓ સોમનાથ સુધી તરીને જવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. દ્વારકા અને રાજકોટના 13 થી 20 વર્ષ સુધીની વયના 20 તરુણો અને યુવાનો દ્વારકાથી 215 કિલોમીટરનું અંતર કાપી, દરિયાઈ માર્ગે તરીને સોમનાથ સુધી જવા માટે આવતીકાલે રવિવારે પ્રયાણ કરશે. આ માટે જિલ્લા તંત્રને વ્યવસ્થા કરવા ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાએ જણાવતા જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા દ્વારા પ્રાંત અધિકારી તથા દ્વારકાના રમત-ગમત અધિકારીને આદેશ કરવામાં આવ્યો છે.

રાજકોટના બંકિમ જોશી, પિનાકીન રાજ્યગુરુ, ઉમેશભાઈ રાજ્યગુરુ તથા દ્વારકાના જયંતીલાલ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ તરણ કાર્યક્રમની શરૂઆત આવતીકાલે રવિવારે સવારે સાડા દસ વાગ્યે થશે. આ તરવૈયાઓ દરરોજ 20 કિલોમીટર જેટલું અંતર કાપી અને સુરક્ષા તથા સલામતીના સંપૂર્ણ સાધનો અને વ્યવસ્થા સાથે આ તરવૈયાઓ 215 કિલોમીટર દૂર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચશે.

આ તરવૈયાઓ તા. 20 અને 21 ફેબ્રુઆરીના દ્વારકા, તારીખ 22 ના હર્ષદ, તારીખ 23- 24-25ના પોરબંદર, તારીખ 26 ના મોચા હનુમાન, તારીખ 27 ના માધવપુર, તારીખ 28 ના માંગરોળ, તારીખ 1 અને 2ના માર્ચના રોજ ચોરવાડ, તારીખ 3 અને 4 માર્ચના રોજ વેરાવળ તથા તા. 5 અને 6 સુધીમાં સોમનાથ પહોંચશે. 13 થી 20 વર્ષની વયના સાહસિકો માટે 215 કિલોમીટર સતત તરવાનો ભારતમાં આ પ્રથમ પ્રયોગ છે. આ તરવૈયાઓનું માર્ગમાં ઠેર-ઠેર સ્વાગત તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.