ખંભાળિયાના સાર્વજનિક હિન્દુ સ્મશાનમાં સર્વજ્ઞાતિ પ્રતિનિધિત્વ મુદ્દે રજુઆત

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : ખંભાળિયામાં ખામનાથ વિસ્તારમાં આવેલા સાર્વજનિક હિન્દુ સ્મશાનમાં છેલ્લા કેટલાક સમયથી અટકી ગયેલા જરૂરી વિકાસ કામો સંદર્ભે જાગૃત કાર્યકરોએ સહભાગી થઇ અને યોગ્ય પ્રતિનિધિત્વ તાકીદે કાર્યરત બને તેવી રજૂઆત કરી છે.

ખંભાળિયાના હિન્દુ સ્મશાનમાં તાજેતરમાં દાતાઓના સહયોગથી ઈલેક્ટ્રીક બ્લોરથી ચાલતા બે ખાટલાઓ તેમજ અન્ય સુવિધાઓ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંનું ઈલેક્ટ્રીક સ્મશાન બંધ હોવાથી મૃતકોના પરિવારોમાં કચવાટ સાથે ચર્ચા જાગી છે.

હાલના કેટલાક ટ્રસ્ટીઓ કામગીરીમાં સંપૂર્ણ સક્ષમ ન હોવાથી ચોપડાનું ઓડિટ ન થવું, કામગીરીમાં વિલંબ થવો, સ્મશાનની દીવાલો ઘણા સમયથી તૂટી ગયેલી હોવા છતાં રીપેરીંગ ન થવું, લાકડા સાચવવાનો વંડો સર્જરી હાલતમાં હોવા સહિતના મુદ્દાઓ વચ્ચે થોડા સમય પૂર્વે કોરોનાની બીજી લહેરમાં મૃતકની અંતિમવિધિ માટે લાકડાની તંગી સર્જાતા અનેક સદગૃહસ્થો દ્વારા લાકડાની નોંધપાત્ર સેવાઓ કરવામાં આવી હતી.

સ્મશાનનો વહીવટ રાબેતા મુજબ કરવા તથા અહીં ખૂટી સુવિધાઓ પ્રાપ્ય થાય તે માટેના પ્રયાસો વચ્ચે નગરપાલિકા દ્વારા લાકડા સંગ્રહ માટેનો હોલ તેમજ ગેસ સ્મશાન માટે રૂપિયા 25 લાખ જેટલી રકમ ફાળવવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ સ્મશાનના અગાઉના મોટાભાગના ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધા છે અથવા વિનંતીથી દૂર થયા છે. ત્યારે સર્વજ્ઞાતિ સદસ્યોનું ટ્રસ્ટ બને અને સમૂહ સહયોગથી સંચાલન કરી અને શહેરની જ્ઞાતિઓની વસ્તી મુજબ ગામના આગેવાનો અને કામ કરતા લોકોને ટ્રસ્ટમાં સમાવેશ કરી સક્રિય અને વ્યવસ્થિત ટ્રસ્ટ બનાવવામાં આવે જેથી સ્મશાનનો વિકાસ થાય તેવી માગણી ઉઠવા પામી છે.

અગાઉના વર્ષોમાં મોટી રકમનું દાન આપનારા દાતાઓની પ્રતિમાઓ જર્જરિત હાલતમાં હોવાથી દાતા પરિવારોમાં પણ કચવાટની લાગણી ફેલાઇ છે.