મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ, મોરબી, દ્વારકા સહિતના શહેરોમાંથી વધારાની 350 બસ દોડશે

બે વર્ષના અંતરાલ બાદ યોજાનાર મહાશિવરાત્રી મેળા માટે ભવનાથ સુધી ખાસ મીની બસ દોડવાશે : એસટી વિભાગનું આયોજન

દ્વારકા : બે વર્ષ બાદ યોજાઇ રહેલા ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં મહા શિવરાત્રી મેળાના આયોજનને લઈ રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા મોરબી, રાજકોટ, દ્વારકાથી અંદાજે 350 જેટલી વિશેષ બસ દોડાવવા નક્કી કરાયું છે ઉપરાંત જૂનાગઢ ભવનાથ સુધી જવા 50 મિનિબસ પણ દોડાવવામાં આવશે.

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રીના વિશેષ સંચાલન અંગેના બુથનું ઉદ્ઘાટન તા.૨૫-૨-૨૨ ના રોજ ૧૦.૩૦ કલાકે એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામક જી.ઓ.શાહ, વિભાગીય પરિવહન અધિકારી આર.ડી.પિલવાઇકર જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર વી.એલ.ચૌધરી તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીશ્રીઓ હાજર રહેશે.

જૂનાગઢ મહાશિવરાત્રી મેળા માટે નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલન માટે 50 મીની બસોથી કરવામાં આવશે. બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સીટી સંચાલન મીની બસોથી હાથ ધરવામાં આવશે જેનું ભાડું નિયમ મુજબ રૂપિયા 20 રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત મહાશિવરાત્રી મેળા દરમ્યાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની 225 મોટી બસો તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની 75 બસો મળી કુલ 350 બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે.

તેમજ વધારે ટ્રાફિકને ધ્યાને લઇ યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરેલ છે તેમજ મુસાફર જનતાની વધુ સુવિધા માટે ભવનાથ ખાતે સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધી અને જુનાગઢ બસ સ્ટેશન ખાતે રાઉન્ડ ધ કલોક ઓનલાઈન બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. જેનો બહોળો લાભ લેવા યાત્રિકોને અનુરોધ કરાયો છે.