ભાટીયામાં બાલિકા વિદ્યાલય માટે ફાળવેલી જમીન પરથી દબાણ દુર કરવા આદેશ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ખાતે સરકારી ખરાબાના સ.નં.907 પૈકી 3171 ચોરસ મીટર જગ્યા સરકારી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.)ને ફાળવવામાં આવી છે.

આ જમીન પૈકીની બે હજાર ચોરસ મીટર જમીન પર સ્થાનિક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો છે. જેના કારણે આ કે.જી.બી.વી.માં નવા મકાન, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબિન વિગેરેના બાંધકામ કામગીરી બંધ છે.

આ બાબતે સામાજિક અગ્રણીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે દબાણકર્તાઓની મુલાકાત કરી, જે તે જગ્યાના માલિકીના પુરાવા પાંચ દિવસમાં રજુ કરવા જણાવાયું હતું. પરંતુ હજુ સુધી આ અંગે દબાણકર્તાઓ દ્વારા કોઈ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. જેને ધ્યાને લઈ આ જમીન પરનો ગેરકાયદેસર કબ્જો પાંચ દિવસમાં ખાલી કરવા જિલ્લા કો. ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

દબાણવાળી જગ્યા જો નિશ્ચિત સમયમાં ખાલી કરવામાં નહીં આવે તો કાયદેસર રીતે દબાણ દુર કરવામાં આવશે. જે દરમ્યાન દબાણવાળી જમીન પરની દબાણકર્તાની માલ મિલકતના નુકસાનની જવાબદારી જે-તે દબાણકર્તાની રહેશે તેમ વધુમાં જણાવાયું છે.