કલ્યાણપુરમાં લેન્ડ ગ્રેબિંગ: જાળવણી માટે આપેલી જમીન પચાવી પાડવા સબબ જામનગરના શખ્સ સામે ગુનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ગામના એક બ્રાહ્મણ યુવાનની માલિકીની જમીનને જામનગર રહેતા એક આસામીને અગાઉ ખેડવા માટે આપ્યા બાદ તેનો કબજો ખાલી ન કરવામાં આવતા આ બનાવ અંગે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા સંજયભાઈ નટવરલાલ આરંભડીયા નામના 28 વર્ષના બ્રાહ્મણ યુવાને વર્ષ 2018 માં એક આસામી પાસેથી ભાગીદારીમાં કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામની સીમમાં આવેલી રેવન્યુ સરવે નંબર 144 પૈકી 2 પૈકીની જમીન, જેના જુના સરવે નંબર 11/1/1 ની પાંચ વીઘા જમીન વેંચાણ મારફતે લીધી હતી.

બાદમાં આ જમીન તેણે હાલ જામનગર ખાતે રહેતા અને મૂળ ભાટીયા ગામના રહીશ ભરતભાઈ ઉકાભાઈ પરમારને જાળવણી કરવા તથા ખેડવા માટે આપી હતી. આ પછી નિયમ મુજબ દસ્તાવેજ મારફતે હાલના માલિક એવા સંજયભાઈ આરંભડીયા દ્વારા આ જમીનનો કબજો ખાલી કરવા માટે ભરત ઉકાભાઇ પરમારને જણાવતા તેમના દ્વારા જમીન કોઈ અન્ય માણસો મારફતે વાવેતર કરવામાં આવતી હોવા સાથે આ જમીન ખાલી કરવાની ના પાડી દીધી હતી. આટલું જ નહીં, જો ફરિયાદી સંજયભાઈ જમીનનો કબજો મેળવવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

સરકારી કિંમત પ્રમાણે રૂપિયા એક લાખની કિંમત ધરાવતી પાંચ વીઘા જેટલી ઉપરોક્ત જમીન ગેરકાયદે રીતે પચાવી પાડવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ભરત ઉકાભાઈ પરમાર સામે લેન્ડ ગ્રેબિંગ ઉપરાંત આઈ.પી.સી. કલમ 506 (2) મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.