યુક્રેન ઉપર હુમલાનો રશિયામાં જ વિરોધ : 1700 લોકોની ધરપકડ

દ્વારકા : યુક્રેન ઉપર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં રશિયામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે જેમાં સ્વતંત્ર માનવાધિકાર સમૂહ દ્વારા થઈ રહેલા આ વિરોધપ્રદર્શનોમાં અત્યાર સુધી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

યુક્રેન ઉપર હુમલા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરીને યુદ્ધ વિરોધી પ્લેકાર્ડ સાથે રેલી યોજી રહ્યા છે. કેટલાક પ્લેકાર્ડમાં સરકારનાં નિર્ણયની ટીકા પણ કરવામાં આવી છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, યુક્રેન પર હુમલાના નિર્ણયનો વિરોધ કરવા માટે મૉસ્કોનાં પુશ્કિન સ્ક્વૅરમાં હજારો લોકો એકત્ર થયા છે જ્યારે સૅન્ટ પીટ્સબર્ગમાં અંદાજે એક હજાર જેટલા લોકો એકઠા થયા હતા અને મૉસ્કોમાં 900 અને સૅન્ટ પીટ્સબર્ગમાં 400 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

રશિયા સિવાય વિશ્વનાં અન્ય ઘણાં રાષ્ટ્રોમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે.અમેરિકાનાં ન્યૂયૉર્કમાં સેંકડો પ્રદર્શનકારીઓએ યુક્રેનના ધ્વજ સાથે સંયુક્ત રાષ્ટ્રના રશિયન મિશન તરફ કૂચ કરી હતી.