જામ રાવલના ગોરાણા ગામનો યુવાન યુક્રેનમાં ફસાયો

યુક્રેનના ખારાકી પ્રાંતમાં ફસાયેલા યુવાનને મદદ માટે ગુહાર લગાવી : પરિવારજનો ચિંતિત

(રિશી રૂપારેલીયા)દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો યુવાન યુક્રેનના ખારાકી પ્રાંતમાં ફસાયો છે. આ યુવાનની જેમ અનેક લોકો હાલમાં મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આશ્રય લીધો છે. યુક્રેનની સ્થિતિ જોતા આ યુવાનના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે અને ભારત સરકારને મદદ માટે ગુહાર લગાવી છે.

યુક્રેન – રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના ચોથા દિવસે સતત હુમલાઓ ચાલુ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ તાલુકાના ગોરાણા ગામનો ભરતભાઇ મુરુભાઈ ગોરાણીયા હાલ અભ્યાસ માટે યુક્રેનમાં હોય યુદ્ધની સ્થિતિમાં ખારાકી પ્રાંતમાં ફસાઈ ગયો છે.

વિદ્યાર્થીના પિતા મુરુભાઈ લખમનભાઈ ગોરાણીયાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર હાલમાં ખારાકી પ્રાંતમાં મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આશ્રય લઈ રહ્યો છે જયાં મોબાઈલ ફોન પણ એલાઉ ન હોય સંપર્ક સાધવામાં પણ મુશ્કેલી અનુભવાઇ રહી છે. આ સંજોગોમાં ભારત સરકાર તાકીદે યુક્રેનમાં ફસાયેલ તેમના પુત્ર સહિતના લોકોને મદદ કરે તેવી ગુહાર લગાવી છે.