દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકોને પોલિયોથી રક્ષિત કરવા રસી પીવડાવાઈ

કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા બાળકોને “દો બુંદ જિંદગી કી” અપાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાના બાળકો પોલિયો સામે સુરક્ષિત રહે તે માટે સમગ્ર રાજ્ય સાથે આ જિલ્લામાં પણ બાળકોને પોલિયોની રસી પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કર્મચારીઓની ટીમ તરફથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવાના આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત ગઈકાલે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર પંડ્યા સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. આ રસીકરણ અભિયાનનો પ્રારંભ ખંભાળિયામાં જૂની ખડપીઠ પાસે આવેલા પોલિયો બુથ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરીયા, ડોક્ટર મેહુલ જેઠવા, ડો. નીરજ ભૂત વિગેરેએ બાળકોને “દો બુંદ જિંદગી કે” આપી અને સમગ્ર જિલ્લો પોલિયો મુક્ત બની રહે તે માટે જહેમત ઉઠાવી, આ અંગે આમ જનતાને જરૂરી સહકાર આપવા અપીલ કરી હતી.