દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેડિકલ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા

જિલ્લા તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા હાથ ધરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રશિયા તને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે હાલ બંને દેશ વચ્ચે ગંભીર બનેલી પરિસ્થિતિમાં ભારતના પણ અનેક રહીશો તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ બે વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તજવીજ પણ કરવામાં આવી છે.

ભાણવડના ડોક્ટર ડઢાણીયાની પુત્રી કેલ્સી યુક્રેનમાં વિપરીત પરિસ્થિતિમાં થોડા સમય પૂર્વે ફસાઈ હતી તેને મદદ કરીને પોલેન્ડ ખાતેની એક હોટેલમાં પહોંચાડવામાં આવી છે.

આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામનો ભરત મુળુભાઈ ગોરાણીયા નામનો યુવાન પણ તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયો છે. જે હાલ ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેને પણ યુદ્ધની પરિસ્થિતિમાં હાલ એક હોટેલના બેઝમેન્ટમાં આશરો લીધો છે.

આ બંને છાત્રોને ભારત પરત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે જિલ્લા પ્રશાસન દ્વારા ગાંધીનગર ખાતે જરૂરી માહિતી આપવામાં આવી છે.