ખંભાળિયા પાલિકાની ખાસ સામાન્ય સભામાં પ્રોત્સાહક વળતર યોજના મુદ્દે નિર્ણય લેવાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજરોજ બપોરે પાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી.

ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યોની આજરોજ સોમવારે બપોરે યોજવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને ગત 8 મી ફેબ્રુઆરીની સામાન્ય સભાની બહાલી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ગાંધીનગર સ્થિત કમિશનરના પરિપત્ર અન્વયે એકમાત્ર મહત્વના ઠરાવ એવા “આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વતન યોજના” અંતર્ગત ખંભાળિયા પાલિકા હેઠળના તમામ વિસ્તારોમાં મિલકત ધરાવતા આસામીઓને કરવેરા વસુલાત હેઠળ આ યોજનામાં પેનલ્ટી માફી અંગેનો રજૂ કરવામાં આવેલો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત પ્રાદેશિક કમિશનરની મંજૂરી મળ્યા બાદ કરદાતાઓ પાસે તેમની મિલકત પેટે અગાઉના વર્ષના તમામ બાકી વેરાની તારીખ 31 માર્ચ 2022 સુધીમાં રકમ ભરપાઇ કરવામાં આવે તો તેઓને ભરવાની થતી પેનલ્ટી, વ્યાજ વિગેરેની રકમની સંપૂર્ણ માફી આપવામાં આવશે.

પાલિકાના ચીફ ઓફિસર એ.એ. પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ મિટિંગમાં ઉપરોક્ત મહત્વના મુદ્દે પાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં ઠરાવ મંજૂર રાખવામાં આવ્યો હતો. આ મીટીંગનું સંચાલન સિનિયર કર્મચારી રાજુભાઈ વ્યાસએ કર્યુ હતુ

.