દ્વારકાના દ્વાદશ જયોર્તિલિંગ નાગેશ્વર ખાતે દિવસભર ગુંજશે ‘હર હર મહાદેવ’નો નાદ

5500 વર્ષ જુના શિવાલયમાં મહાશિવરાત્રી પર્વે હજારો ભક્તો ઉમટી પડશે

દ્વારકા : યાત્રાધામ દ્વારકા નજીક આવેલ દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે આવતીકાલે મહાશિવરાત્રિના પર્વે હર હર મહાદેવના નાદ સાથે દિવસભર ભક્તોનો મેળાવડો જામશે.

દ્વારકાના નાગેશ્વર જ્યોતર્લિંગ ખાતે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવને દૂધ અર્પણ કરી,જલાભિષેક અને બિલીપત્ર ચડાવી શિવને પ્રશન્ન કરશે. ગુલશન કુમાર દ્વારા બનાવાયેલી 85 ફૂટ ઊંચી શિવની પ્રતિમાના દર્શન ભાવિકો કરશે. આશરે 5500 વર્ષ જૂના આ મંદિરને ગુલશન કુમાર દ્વારા જીર્ણોદ્ધાર કર્યા બાદ વધુ પ્રચલિત બન્યું છે.ત્યારે આવતીકાલે આ મંદિરે શિવભક્તોની સવારથી જ લાઇનો લાગશે. અને સમગ્ર શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે.

આખી રાત મહાપૂજા સાથે ચાર પહોરની આરતીના દર્શન માટે ભાવિકો ઉમટી પડેશે. સ્થાનિક ભક્તો ઉપરાંત દ્વારકા યાત્રાધામ હોય મોટી સંખ્યામાં પ્રવાસી ભક્તો આજે હરી અને હર બન્નનેના દર્શનનો બેવડો લાભ મેળવી ધન્ય બની રહ્યા છે. દિવસભર મહાદેવના ભકતો આ કૃષ્ણ સ્થાપિત શિવલિંગ પર દૂધ અને જલનો અભિષેક કરવા લાઈનોમા ઊભા રહે છે.

મહાશિવરાત્રીના ઉપલક્ષ્યમાં પુજારી પરિવાર દ્વારા છેલ્લા સાત દિવસથી સાડા સાત કરોડ જાપ સાથે હોમાત્મા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વારાદાર પુજારી મહંત ગીરધરભારથી લીલાધર ભારથીના જણાવ્યાનુસાર આ યજ્ઞ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની મુક્તિ તથા વિશ્વ શાંતી અર્થે કરવામાં આવ્યો છે. અને આ યજ્ઞની પૂર્ણાહુતિ મહાશિવરાત્રીના શુભ દિને કરવામાં આવશે.

ચાર પહોરની આરતીમાં પ્રથમ સવારે 5.00 કલાકે, ત્યારબાદ 7.30, રાત્રીના 12.00 કલાકે, 3.00 કલાકે તથા વહેલી સવારના 6.00 કલાકે કરવામાં આવશે. શિવરાત્રી મહાપર્વને લઈ આખા દિવસ દરમિયાન ચા, પાણી, નાસ્તો, પ્રસાદ તથા ફળહારની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા જે ભક્તો પગપાળા ચાલીને આવ્યા હોય તેમના માટે ચાર ઇલેક્ટ્રિક મસાજ ચેરની પણ વ્યવસ્થા કરાઇ છે.