ખંભાળિયામાં પરંપરાગત શિવ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયામાં સૈકાઓ જૂની પરંપરા મુજબ અહીંના પ્રાચીન અને પ્રખ્યાત શ્રી ખામનાથ મહાદેવની વરણાંગીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભકતજનો હોંશભેર જોડાયા હતા.

ખંભાળિયાના પાદરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવની શોભાયાત્રા (વરણાંગી)નું ભવ્ય આયોજન આજરોજ સવારે કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભૂદેવો સાથે શિવભક્તો-નગરજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. અહીંના વિજય ચોક ખાતેથી આ વરણાંગીનો પ્રારંભ થયો હતો. જે પાંચ હાટડી ચોક, મેઇન બજાર, માંડવી ટીંબો, ગૂગળી ચોક થઈ અને ખામનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. ઠેર-ઠેર આ શોભાયાત્રાનું વેપારીઓ તથા નગરજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ શોભાયાત્રામાં મંદિરના ટ્રસ્ટી મનુઅદા સોમૈયા, જે.વી. ધ્રુવ, પાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા સાથે ભરતભાઈ મોટાણી, હાર્દિક મોટાણી, કૌશલ સવજાણી, નીતિનભાઈ ગણાત્રા, જયસુખભાઈ મોદી, પ્રવિણસિંહ કંચવા, કિરીટભાઈ બોડા, વિકી રૂઘાણી, મનુભાઈ તન્ના, સહિતના આગેવાનો, કાર્યકરો તથા ભક્તજનો જોડાયા હતા.