રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ધૂમ્રપાન વિરોધી સંરક્ષા અભિયાન

ઝુંબેશમાં 167 વ્યક્તિઓ પાસેથી રોકડ દંડ વસૂલાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજકોટ રેલવે ડિવિઝન મુસાફરોને સલામત અને બહેતર મુસાફરી આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ ક્રમમાં રાજકોટ ડિવિઝન દ્વારા 25 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી એક સપ્તાહ માટે વ્યાપક ધૂમ્રપાન વિરોધી સંરક્ષા (સેફટી) ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે આ ધૂમ્રપાન વિરોધી સેફટી ઝુંબેશ દરમિયાન કુલ 167 વ્યક્તિઓ પકડાયા હતા અને તેમની પાસે થી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા-2003) હેઠળ રૂ. 6,500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને જાહેર સ્થળોએ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કોપ્ટા)-2003 હેઠળ સજાપાત્ર છે. મુસાફરોમાં આ અંગે જાગૃતી લાવવા માટે રેલવે સ્ટેશનો પર જાહેરાત પણ કરવામાં આવી રહી છે.

રાજકોટ ડીવીઝનના ડીઆરએમ અનિલ કુમાર જૈને મુસાફરોને રેલવે પરિસરમાં અને ટ્રેનમાં ધુમ્રપાન કરવાનું ટાળવા અને મુસાફરીને પોતાના તેમજ અન્ય મુસાફરો માટે સલામત બનાવવા અપીલ કરી છે.