બજેટ ખોરવાયું ! દૂધ બાદ ખાદ્યતેલના ભાવમાં પણ ભડકો

તેલના ભાવો ઐતિહાસિક સપાટી પર પહોંચતા લોકો ચિંતિત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રશિયા અને યુક્રેન વચ્ચેના ચાલી રહેલા યુદ્ધના કારણે ખંભાળિયા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલમાં અવિરત રીતે ભાવ વધારો થઈ રહ્યો છે. દૂધ બાદ ખાદ્યતેલના ભાવો પણ આસમાને પહોંચતાં સામાન્ય પરિવારોના ઘરનું બજેટ વિખેરાઇ રહ્યું છે.

હાલાર સહિત સૌરાષ્ટ્રની જનતા ભોજનમાં તેલનો ઉપયોગ નોંધપાત્ર પ્રમાણમાં કરે છે. ખાદ્યતેલના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર સમાન સૌરાષ્ટ્રમાં મગફળી તથા કપાસનું નોંધપાત્ર ઉત્પાદન થાય છે. આ વચ્ચે અહીં ખાદ્યતેલનું ઉત્પાદન તથા વપરાશ પણ વ્યાપક પ્રમાણમાં છે. હાલ ખાસ કરીને છેલ્લા થોડા દિવસોથી ખાદ્યતેલના અવિરત રીતે વધતા જતા ભાવોથી સામાન્ય વર્ગ ચિંતિત બની ગયો છે.

ખંભાળિયાના તેલના અગ્રણી વેપારી અને વેપારી મંડળના પ્રમુખ જગુભાઈ રાયચુરા દ્વારા જાણવા મળતી વિગત મુજબ મુખ્યત્વે મગફળીના તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2,550 સુધી અને કપાસિયાના ડબ્બાનો ભાવ પણ 2,600 આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં, ક્વોલિટીમાં થોડું નબળું મનાતું અને મોટી સંખ્યામાં ફરસાણના વેપારીઓ જેનો ઉપયોગ કરે છે તે પામોલીન તેલનો ડબ્બો થોડા સમય અગાઉ રૂપિયા 1,700 માં મળતો હતો તેના ભાવ પણ હવે વધીને રૂ. 2,400 સુધી પહોંચી ગયો છે.

આમ, દૂધના ભાવમાં વધારા બાદ સતત વધતા જતા ખાદ્યતેલના ભાવથી ખાસ કરીને ગરીબ તથા સામાન્ય વર્ગના રસોડાનું બજેટ ખોરવાઇ ગયું છે. જાણવા મળતી વિગત મુજબ રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આ ચિંતાજનક વધારો થયો છે. હાલની પરિસ્થિતિમાં ઉપરોક્ત બંને દેશોના યુદ્ધના કારણે વિવિધ ક્ષેત્રે ભારતને કાળઝાળ મોંઘવારી તથા હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

હુતાસણી પર્વના આગામી દિવસો વચ્ચે સર્જાયેલી વિકટ પરિસ્થિતિએ સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે.