ખંભાળિયામાં અનઅધિકૃત રીતે ગેસ સિલિન્ડરના રિફિલિંગ તથા વેચાણ કરવા સબબ એક શખ્સ સામે ગુનો

રવિવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટ પ્રકરણ બાદ તંત્ર જાગ્યું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના એક રહેણાંક વિસ્તારમાં ગઈકાલે રવિવારે સવારે ગેસનું સિલિન્ડર ધડાકાભેર ફાટતાં ત્રણ વ્યક્તિઓ ઘવાયા હતા. સદ્દભાગ્યે મોટી જાનહાની થતાં અટકી હતી.

આ દરમિયાન ખંભાળિયા પોલીસ દ્વારા રવિવારે ટાઉન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન અત્રે નવાપરા વિસ્તારમાં આવેલા શ્યામ પેલેસ એપાર્ટમેન્ટ નજીક અહીંના દિલીપભાઈ મણિલાલ કાનાણી (ઉ.વ. 52) નામના શખ્સ દ્વારા આ સ્થળે ઉભુ કરવામાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ઘરેલુ ગેસ સિલેન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરોમાં લોખંડની પાઈપો (નીપલ) વડે એલ.પી.જી. ગેસ ટ્રાન્સફર કરી અને તે કોમર્શિયલ ગેસ સીલીન્ડરને પોતાના અંગત આર્થિક લાભ માટે ખંભાળિયા વિસ્તારમાં આવેલી જુદી જુદી રેસ્ટોરન્ટમાં વધુ કિંમતે વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસ કાર્યવાહી દરમિયાન ધ્યાને આવ્યું હતું.

આ સ્થળેથી પોલીસે દરોડાની કાર્યવાહી કરી, ગેસ ભરેલા તથા ખાલી મળી, કુલ 25 સિલિન્ડર કબજામાં રાખી અને ઇન્ડેન કંપનીના તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બીપીએલ લાભાર્થીઓને સસ્તા દરે આપવામાં આવેલી ઉજાલા યોજના અંતર્ગત સબસીડીવાળા જુદા-જુદા વ્યક્તિઓના નામ વાળા એલ.પી.જી. ગેસ કન્ઝ્યુમર પરમીટની 32 બુક કબજે કરી હતી.

આમ, અન્ય આસામીઓની પરમીટ પર ગેસ સિલિન્ડર મેળવી અને અધિકૃત રીતે ગેસ વેચવાના કે રાખવાના પરવાના વગર આગ લાગવાની પૂરી શક્યતા હોવા અંગેનું આ કૃત્ય કરવામાં આવતું હોવાથી પોલીસે કુલ રૂપિયા 58,705 ની કિંમતના 25 ગેસ સિલિન્ડર ઉપરાંત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 285, 287 ઉપરાંત આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ ઉપરાંત પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી, આરોપી દિલીપ મણિલાલ કાનાણીની ધરપકડ કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.આ બનાવે રાંધણગેસના કાળાબજાર કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરાવી છે.