કલ્યાણપુર પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, મહિલા સહિત છ ઝડપાયા

(કુંજન રાડિયા) જામખંભાળિયા : કલ્યાણપુર પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી હતી અને મહિલા સહિત છ ઝડપાયા હતા.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા ડેરાજ મિયાઝર લુણા નામના 24 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં રહેલા મકાનમાં અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને ચલાવતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડયો હતો.

આ દરોડા દરમિયાન ડેરાજ મિયાઝર લુણા, પુના ઉર્ફે પ્રવીણ હરજુક જામ, ઈકબાલ રજાક સેતા, દિપક ઉર્ફે રાજુ રણછોડ નડીયાપરા, ભરત રાયાભાઈ રૂડાચ અને મનિષાબેન ભીમજીભાઈ ગોસીયા ગામના છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે 71,010 રોકડા તથા રૂપિયા 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 30 હજારની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,11,510 નો મુદ્દામાલ કબજે કરી, કલ્યાણપુર પોલીસ મથકમાં આ સાતેય શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.