ઓખા મંડળમાં વૃધ્ધાની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટ

બે શખ્સો વૃદ્ધાને બાંધી, દાગીના લૂંટીને અંધારામાં ઓગળી ગયા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં મોડી રાત્રીના સમયે રૂમમાં સૂતેલા એક વૃદ્ધ મહિલાની આંખમાં મરચાની ભૂકી છાંટી, તેણીને બાંધી દઇ અને આ મહિલાએ પહેલા સોના તથા ચાંદીના કિંમતી દાગીનાઓ લૂંટીને બે શખ્સો નાસી છૂટયા હોવાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે રહેતા વેજાભાઈ ચાનપા નામના એક હિન્દુ વાઘેર યુવાનના ઘરે તેમના કુટુંબી એવા મોટા બા રાઈબેન રાજશીભા ચાનપા (ઉ.વ. 80) નામના વૃદ્ધા મંગળવારે રાત્રે વાળુ-પાણી કરી અને તેમના આ ભત્રીજા વેજાભાઈના ઘરે સૂતા હતા.

ત્યારે રાત્રીના આશરે દોઢેક વાગ્યાના સમયે તેમના ઘરે પહેલા માળે રહેલા રૂમમાં બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. રાત્રિના અંધારામાં ગેરકાયદેસર રીતે ગૃહ પ્રવેશ કરી અને આવેલા આ બે શખ્સોએ રાઈબેનના મોઢામાં સૌપ્રથમ મુંગો દઈ અને તેણીની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી બાદમાં તેમના બંને હાથ દોરી વડે બાંધી, તેણીએ કાનમાં પહેરેલા સોનાના બુટીયા, પોખંડણી, સોનાના ઠોરીયા નાકનો સોનાનો દાણો, હાથમાં પહેરેલા પાટલા, ગળામાં પહેરેલી ચાંદીની માળા વિગેરે સોના-ચાંદીના દાગીના ઝુંટવી અને લૂંટી ગયા હતા.

આમ, આશરે અઢી તોલા જેટલા સોનાના દાગીના તથા ચાંદીની માળા વિગેરે મળી કુલ રૂપિયા 1.08 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી આ અજાણ્યા શખ્સો રાત્રિના અંધારામાં અલોપ થઈ ગયા હતા. બાદમાં ભોગ બનનાર રાઈબેને રાડા-રાડ કરતા તેના ભત્રીજાઓ, પરિવારજનો તથા આડોશી-પાડોશીઓ એકત્ર થઇ ગયા હતા અને અંધારામાં નાસી છૂટેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ કરી હતી.

આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ પોલીસને માહિતગાર કરતા સ્થાનિક પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભોગ બનનાર રાઈબેન તથા પરિવારજનોના નિવેદન તથા પૂછપરછ અંગેની કામગીરી કરી હતી. આ ઉપરાંત લૂંટારુઓના સગડ દબાવવા માટે ડોગ સ્કવોડ તથા એફએસએલના નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી હતી. લૂંટના આ બનાવમાં સંભવિત રીતે કોઈ જાણભેદુ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ આગળ ચલાવી છે.

મીઠાપુર પોલીસે રાઈબેન રાજશી ચાનપાની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 392, 457 તથા 114 મુજબ ગુનો નોંધી, વિવિઘ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાત્રિના સમયે લૂંટના બનેલા આ બનાવે સમગ્ર આરંભડા પંથકમાં ભારે ભય સાથે ચકચાર જગાવી છે.