દ્વારકા જિલ્લાના કેટલાક હાઈવે પર ગતિ મર્યાદા અમલી

(કુંજન રાડિયા) દ્વારકા : દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે આ તહેવાર દરમિયાન ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને આવતા હોય, આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને નીકળતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે જિલ્લા કલેકટરએ ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ અંતર્ગત રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂ થાય ત્યાંથી ખંભાળિયા-લીંબડી-ભાટીયા-કુરંગા-દ્વારકાનો રૂટ, લીંબડી-રાણ-ગુરગઢ-દ્વારકાનો રૂટ, દ્વારકા-મીઠાપુર-ઓખાનો રૂટ, દ્વારકા-નાગેશ્વર-ઓખાનો રૂટ, ભાટીયા-હર્ષદ માતાજી(ગાંધવી)નો રૂટ, હર્ષદ માતાજી(ગાંધવી)-કુરંગા-દ્વારકા રૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. 18 માર્ચ સુધી તેમનું વાહન 40 કિ.મી. પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી તેમજ દ્વારકા શહેરમાં 20 કિ.મી.પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામું જિલ્લા પોલીસ વડા દ્વારા પરવાનગી અપાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં.