દ્વારકા જિલ્લા અમલીકરણ એકમ-મહિલા સામખ્ય સોસાયટી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

પોષણ અને યોજનાઓની મહિલાઓને માહિતી અપાઈ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકા જિલ્લા અમલીકરણ એકમ – મહિલા સામખ્ય સોસાયટી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં પોષણના મુદા અને વિવિધ યોજનાઓની મહિલાઓને માહિતી અપાઈ હતી.

દ્વારકા જિલ્લા અમલીકરણ એકમ – મહિલા સામખ્ય સોસાયટીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ ગ્રામ્યકક્ષાએ અતિ છેવાડાના બહેનો અને કિશોરીઓ સાથે શિક્ષણ, સંગઠન અને સમાનતાનું કાર્યકરતો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેમના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહિલાઓના તથા કિશોરીઓના પોષણના મુદા અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની વિશે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર, ભાણવડ, જામ-ખંભાળિયા તથા દ્વારકા તાલુકામાં વર્ષ ૨૦૧૬થી મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. જે અત્યારે જિલ્લાના ૨૨૫ ગામોની ૬૫૦૦થી વધુ ગ્રામ્યકક્ષાની મહિલાઓ સાથે શિક્ષણ દ્વારા સશક્તિકરણની કામગીરી કરી રહ્યો છે, જેમાં શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, નગરપાલિકા સદસ્ય રેખાબેન ખેતીયા અગ્રણી સર્વ કરશનભાઈ ગોજીયા, નિધીબેન પટેલ, આશાબેન પટેલ તથા મહિલા સામખ્યના ફિલ્ડ કર્મચારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.