દ્વારકામાં રામા આરોગ્યધામ દ્વારા આંખોની સારવારનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : માનવીનું મહત્વનું અંગ એટલે આંખો. જો આંખો નબળી પડે તો માણસનું જીવન છિન્નભિન્ન થઈ જાય ત્યારે તીર્થનગરી દ્વારકામાં રામા ચેરીટેબલ આરોગ્યધામ – આંખની હોસ્પિટલ દ્વારા આંખો માટેની સારવારનો નિ:શુલ્ક મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં હવે 135 દર્દીઓના નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવશે.

છેલ્લા 22 વર્ષથી સેવા આપતી દ્વારકાની રામા ચેરીટેબલ આરોગ્યધામ-આંખની હોસ્પિટલમાં અનેક કેમ્પો યોજાય છે. જેમાં દર વખતની જેમ ગઈકાલે પણ નિ:શુલ્ક આંખોની તપાસ, દવા અને ઓપરેશનનો મહાકેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 200 જેટલા દર્દીઓની આંખની તપાસ કરી નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી. જેમાંથી 135 દર્દીઓને ઓપરેશનની જરૂર લાગતાં સંસ્થા દ્વારા તમામ દર્દીઓના ઓપરેશન અતિ આધુનિક કોલ્ડફેકો મશીનથી હાઇડ્રો ફિલિક ફોલ્ડેબલ નેત્રમણી સાથે મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

સ્વામી રામતીર્થની ચોથી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ આ મેગા કેમ્પમાં અન્ય સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ સાંપડ્યો હતો. અને આંખના નિષ્ણાત ડો. ગગન તેમજ ડૉ નિરવ રયમંગિયા દ્વારા સેવા આપવામાં આવેલ હતી.