જડબાનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડતા ખંભાળિયાના ડોક્ટરો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સૌ પ્રથમ વખત જડબાનું જટિલ ઓપરેશન કરાયું છે.

ભાણવડની હિંગોરા ડેન્ટલ કિલીનીકના સર્જન ડો. એ. એચ. હિંગોરા દ્વારા ખંભાળિયાની શુભમ હોસ્પિટલમાં ડિસઈમ્પેકસનનુ ફાઈબ્રોસિસવાળા (મોઢું ન ખુલતું હોઈ તેવા દર્દી) સફળતાપૂર્વક જટિલ ઓપરેશન કરાયું છે. આ ઓપરેશનમાં ડો. એ. એચ. હિંગોરા સાથે ડો. હેમાંગ પાબારી, ડો. વિજય સુવા, ડો. રાહુલ કણઝારિયા, દર્દીને બેભાન કરવા ડો. સેંજલિયા (એનેસ્થેટીસ્ટ) તેમજ શુભમ હોસ્પિટલના ડો. અનિશ હિંગોરા સાથે મળી જનરલ એનેસ્થેસિયામાં જટિલ ઓપરેશન કરાયું છે.

હિંગોરા ડેન્ટલ કિલિનીકના દાંતના સર્જન ડો. એ.એચ.હિંગોરા એ જણાવ્યું હતું કે દર્દી કૌશિકભાઈ શિલુંને ઘણા સમયથી દાંતમાં દુ:ખાવો હતો. એમનું મોઢું પણ 4 mm ખુલતું હતું. એક્સરે કરતા જણાયુ કે તેમની છેલ્લી ચાર ત્રાસી ડહાપણ દાઢ અને જડબાનું ફાઈબ્રોસિસ દુખાવાનું કારણ હતું. આ ઓપરેશન સામાન્ય એનેસ્થેસિયા (ઇન્જેક્શન)થી થઈ શકે તેમ ન હતું. તેથી, દર્દીને સંપૂર્ણ બેભાન કરીને જ ઓપરેશન કરવું પડે તેમ હતું. ઓપરેશન પછી દર્દી કૌશિકભાઈ શિલું દુ:ખાવારહિત અને ખુબ ખુશ છે. તેમને ડો. એ.એચ. હિંગોરા અને અન્ય ડોક્ટર ટિમનો આભાર માન્યો હતો.