આરંભડાના વૃદ્ધાના કિંમતી દાગીનાની લૂંટ ચલાવનારા ભત્રીજા તથા વહુને ઝડપી લેવાયા

એલસીબી પોલીસે આરોપી દંપતીની કરી અટકાયત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા 80 વર્ષના એક વૃદ્ધ મહિલા પાસે મોડી રાત્રીના સમયે આવી અને આંખમાં મરચું છાંટી, બાંધી દઈનને તેણીએ પહેરેલા રૂપિયા 1.08 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો બનાવ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે આરોપી એવા આ વૃદ્ધાના ભત્રીજા તથા તેના પત્નીની અટકાયત કરી અને આરોપીઓ પાસેથી સિલસિલાબંધ વિગતો મેળવી હતી.

આ પ્રકરણની વિગત મુજબ મીઠાપુર તાબેના આરંભડાના ગાયત્રીનગર વિસ્તાર ખાતે રહેતા રાઈબેન રાજભા ચાનપા નામના 80 વર્ષના વૃદ્ધ મહિલા મંગળવારે રાત્રીના સમયે તેમના ભત્રીજાના ઘરે સૂતા હતા, ત્યારે એકાદ વાગ્યાના સમયે રાત્રિના અંધારામાં પ્રવેશેલા બે વ્યક્તિઓએ તેમની આંખમાં મરચું છાંટી અને બાંધી દઈ, આ મહિલાએ પેરેલા વિવિધ પ્રકારના રૂપિયા 1.08 લાખની કિંમતના સોના તથા ચાંદીના વિવિધ દાગીનાઓ લઇને નાસી છૂટ્યાનો બનાવ બુધવારે મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે નોંધાયેલા ગુનામાં એલસીબી પોલીસે ઝંપલાવી, આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા તથા આ અંગેના અભ્યાસ તેમજ વિવિધ પ્રકારના નિવેદનો બાદ આ લૂંટ પ્રકરણના બનાવમાં વિવિધ કડીઓ સાંકડી અને એલસીબીના એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ તથા બલભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે શંકાસ્પદ હિલચાલ સાથે નિષ્કર્ષ બાદ આ પ્રકરણમાં મુખ્ય આરોપી એવા ભોગ બનનાર મહિલા રાઈબેનના ભત્રીજા હીરાભાઈ હાડાભાઈ ચાનપા (ઉ.વ. 49) તથા તેના પત્ની કીર્તિબેન હીરાભાઈ ચાનપા (ઉ.વ. 44) ની ગઈકાલે અટકાયત કરી હતી.

લૂંટનો ભોગ બનનાર રાઈબેન ચાનપાના ભત્રીજા હીરાભાઈ અને કિર્તિબેન કે જેઓ હાલ રાજકોટના નાણાવટી ચોક વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી ખાતે રહે છે, તેઓ આઠેક માસ અગાઉ આરંભડાના ગાયત્રીનગર વિસ્તારમાં જ રહેતા હતા. આ દંપતી રાઈબેનના આવરા-જાવરા તથા રહેણી-કહેણી બાબતે માહિતગાર હોય, તેઓને પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટનો પ્લાન ઘડી, મંગળવારે રાત્રીના સમયે રાજકોટથી ખાનગી બસમાં આરંભડા આવી અને લૂંટ કર્યા બાદ રાજકોટ પરત જતા રહ્યા હતા. જ્યાં તેઓએ લૂંટમાં મેળવેલા સોનાના બે નંગ પાટલા ગાંધીગ્રામ વિસ્તારમાં એક આસામીને વેંચી દીધા હોવાનું જાહેર થયું છે. ફઈબા સાથે બનેલી લૂંટની આ ઘટના સંદર્ભે હાવ-ભાવ પૂછવા આવેલા ઉપરોક્ત દંપતીને ભીમરાણા ગામના પાટિયા પાસેના ઓવરબ્રિજ નીચેથી એલ.સી.બી. પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસે આ દંપતિ પાસેથી સોનાના બે નંગ કાનમાં પહેરવાના ઠોરીયા, બે નંગ પોખરવી, રૂ. 500 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા રૂપિયા 2,190 રોકડા કબજે કર્યા છે.

સગા ફઈબાને લૂંટનો શિકાર બનાવનારા ભત્રીજા તથા તેના પત્નિની એલ.સી.બી. પોલીસે અટકાયત કરી, આગળની કાર્યવાહી અર્થે મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યા છે.