દ્વારકા જિલ્લાના દરેક તાલુકામાં સોમવારથી બોર્ડની પરીક્ષા સંદર્ભે કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ થશે. જેમાં શિક્ષણ અધિકારી સ્ટાફ દ્વારા 12 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા 12 ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. આના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન તથા પરીક્ષા સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ થાય તે હેતુથી કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેર દ્વારા આગામી સોમવાર તારીખ 14મી માર્ચ થી 12 મી એપ્રિલ સુધી ચારેય તાલુકાઓમાં કરવામાં આવેલા આ કાઉન્સેલિંગ સેન્ટરમાં સવારે દસથી સાંજે સાડા છ વાગ્યા સુધી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

આ અંતર્ગત ખંભાળિયામાં શરૂ કરવામાં આવેલા કાઉન્સેલિંગ સેન્ટર માટે વિજય ચેરીટેબલ હાઈસ્કૂલના હિતેન્દ્રભાઈ આચાર્ય (મો. 98242 35859), ભાણવડમાં વી.એમ. ઘેલાણી હાઈસ્કૂલના કમલેશભાઈ પાથર (મો. 98242 63141), કલ્યાણપુરમાં નંદાણાની જી.એમ.ડી.સી. હાઈસ્કુલના દેવેન્દ્રસિંહ ચુડાસમા (મો. 98792 18588) તથા દ્વારકા તાલુકામાં હિરજીબાપા હાઈસ્કુલના વજશીભાઈ ગોજીયા (મો. 94272 40307)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.