ગુંદા ગામે દંપતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપવા સબબ પિતા-પુત્ર સામે ફરિયાદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ગુંદા ગામે દંપતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, ધમકી આપવા સબબ પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભાણવડ તાલુકાના ગુંદા ગામે રહેતા જયેશભાઈ ભીખુભાઈ રાઠોડ નામના 42 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનની ગાયનું આઠ માસનું વાછરડું ત્રણેક દિવસથી ગુમ થઈ ગયું હતું. આ વાછરડું આ જ ગામના ગિરધરભાઈ ઉર્ફે કાળુભાઈ રામજીભાઈ પાડલીયા અને તેમના પુત્ર ડેનિસભાઈ ગિરધરભાઈ ઉર્ફે કાળુભાઈ પાડલીયા દ્વારા વેંચી નાખવામાં આવ્યું હોવાનું જયેશભાઈના ધ્યાને આવતા જયેશભાઈ તથા તેમના પત્ની ઉપરોક્ત પિતા-પુત્રની ગામના પાદરમાં આવેલી દુકાને ગયા હતા.

અહીં તેઓએ પોતાની ગાયનું વાછરડું કેમ વેચી નાખ્યું છે? તેમ કહેતા આરોપીઓએ કહ્યું હતું કે “વાછરડું તો ઠીક તારા તમારાં બૈરી-છોકરાં પાદરમાં આવશે તો તેને પણ વેંચી નાખીશું”- તેમ કહી, પિતા-પુત્રએ દંપતીને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, દુકાનમાં રહેલો લાકડાનો ધોકો કાઢીને મારવાની કોશિશ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદી જયેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાની ધોરણસર ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે પિતા-પુત્ર સામે આઈ.પી.સી. કલમ 323, 294(ખ), 504, 506(2), 114 તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી.- એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડાએ હાથ ધરી છે.