ખંભાળિયા નજીક લાખો પદયાત્રીઓની સેવા કરી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું

પદયાત્રી સેવા કેમ્પોની પુર્ણાહુતી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કાળીયા ઠાકોર સંગે હોળી પર્વે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને દ્વારકા ખાતે ગયા હતા. ખંભાળિયાના પાદરમાંથી પસાર થતા પદયાત્રીઓની સેવા માટે ખંભાળિયા શહેરની આસપાસના વિસ્તારોમાં આશરે એક ડઝન જેટલા સેવા કેમ્પોમાં ખુબ મોટી સંખ્યામાં સેવાભાવી વ્યક્તિ લોકોએ તન,મન અને ધનથી સેવા કરી હતી.

ખંભાળિયા વિસ્તારમાં ગત તારીખ 9 મી થી શરૂ થયેલા કેમ્પોમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ એ ચા, પાણી, નાસ્તો, ભોજન, રાતવાસો તેમજ તબીબી સારવાર મેળવી સંતોષનો ઓડકાર લીધો હતો. સૌથી વધુ પદયાત્રીઓની સંખ્યા ગત રવિવારે તથા સોમવારે જોવા મળી હતી. અહીં બે કિલોમીટર સુધીની વાહનો તથા પદયાત્રીઓની લાઈનો બની રહી હતી. જે વચ્ચે એક કિલોમીટર જેટલું અંતર કાપવા વાહનચાલકોને અડધો કલાક જેટલો સમય લાગતો હતો.

ગુરુવારે હોળી તથા શુક્રવારે ફૂલડોલ ઉત્સવની દ્વારકા ખાતે ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ખંભાળિયા વિસ્તારમાંથી મહદંશે પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. જેના અનુસંધાને આજે મોટાભાગે ભાગના સેવા કેમ્પોએ વિરામ લીધો છે. કોરોના કાળમાં બે વર્ષ પછી આવા કેમ્પ મારફતે સેવા કાર્ય કરવા ઇચ્છતા સેવાભાવીઓ તેમજ દ્વારકા જવા ઇચ્છતા પદયાત્રીઓને સુકુન આપ્યું છે.