ભાણવડ ખાતે ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળના સુરક્ષાકર્મીઓ માટે કાર્યક્રમ યોજાયો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ભાણવડ તાલુકા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે ગ્રામ્ય રક્ષક દળ અને તટ રક્ષક દળના જવાનોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ગ્રામ્યકક્ષાએ કામ કરતા ગ્રામરક્ષક દળના જવાનોને બાળ સુરક્ષા વિષય પર એક દિવસીય તાલીમ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સમાજીક કાર્યકર રંજનબેન મકવાણા દ્વારા જે.જે. એક્ટ-2015 અને પોક્સો એક્ટ-2012 અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઈ મોરીએ બાળકોની દેખરેખ રાખવા જેવા સબંધિત વિષયો પર વિશેષ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓને જિલ્લા બાળ સુરક્ષા એકમના સાહિત્ય તથા કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા જી.આર.ડી. અને એસ.આર.ડી. વિભાગના એ.એસ.આઈ. બાલુભા જાડેજા તેમજ માનદ અધિકારી વનરાજસિંહ જાડેજા, ભાણવડ પોલિસ સ્ટેશનના એ.એસ.આઈ. લાખણશીભાઈ ભુતિયા સહિત લાભાર્થીઓ અને સબંધિત વિભાગના અધિકારી– કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.