દ્વારકામાં ગોમતી ઘાટ પર કપડા ચેન્જીંગ રૂમની તાકીદે વ્યવસ્થા કરવા લોકમાંગ

ફુલડોલ નિમિત્તે આવતા દર્શનાર્થીઓને હાલાકી પડતી હોવા છતાં તંત્ર નીમ્ભર

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં હોળી, ફુલડોલ તહેવાર દરમ્યાન સંખ્યાબંધ લોકો ગોમતી સ્નાન કરશે પણ ઘાટ પર કપડા બદલવા માટે ચેન્જીંગ રૂમની વ્યસ્થા નથી. ત્યારે ગોમતી ઘાટ પર તાત્કાલિક કપડા ચેન્જીંગ રૂમની વ્યવસ્થા જરૂરી બની છે.

યાત્રાધામ દ્વારકા ખાતે હોળી, ફુલડોલ ઉત્સવના તહેવાર દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ આવશે અને ગોમતી સ્નાન કરશે. પરંતુ ગોમતી ઘાટના ૧૬ ઘાટ પૈકી એક ઘાટ પાસે મહિલાઓને કપડા ચેન્જીંગ માટેની જર્જરિત કેબીન જોવા મળી છે. તે કેબિન દરવાજા વિનાની છે. અને કપડાઓ વડે બાંધેલી છે. અવારનવાર ગોમતી ઘાટ પર કપડા બદલાવા માટેની ચેન્જીંગ રૂમના મુદ્દાઓ ચગ્યા છે. પરંતુ નીમ્ભર તંત્રની આડોડાઇના કારણે ગોમતી ઘાટ પર કપડા બદલવા માટેની વ્યવસ્થા કરાતી નથી.

અગામી દિવસોમાં આવનાર હોળી ફુલડોલના ઉત્સવમાં લાખો લોકો દ્વારકામાં ઠાકોરજીના દર્શન કરવા આવશે અને ગોમતી સ્નાન કરશે. ખાસ કરીને ફાગણ માસની પુનમનું ગોમતી સ્નાન માટેનું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો ગોમતી સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ કપડા ચેન્જીંગ રૂમની વ્યવસ્થા ન હોવાથી નિર્ભર તંત્ર દ્વારા તાકકાલીક ચેન્જીંગ રૂમની વ્યવસ્થા થાય એ જરૂરી છે.

દ્વારકા નગરપાલીકામાં કરોડો રુપિયાની ગ્રાન્ટો આવે છે. લાખો કરોડો રૂપિયા ગાર્ડન પાછળ વાપરવામા આવે છે તો ગોમતી ઘાટ પર મહિલાઓ માટે ચેન્જીંગ રુમ બનાવામા આવતા નથી, તે શરમજનક વાત કહેવાય. દ્વારકાના કહેવાતા આગેવાનોને આ બાબતે કેમ કઈ સૂઝ્યું નહિ હોય, તે લાખ રૂપિયાનો સવાલ છે.