દ્વારકા બન્યું કૃષ્ણમય : ફાગણી પૂનમે દ્વારકામાં માનવ મહેરામણ હિલ્લોળે ચડ્યું

ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકાના તમામ માર્ગો માનવમેદનીથી ઉભરાયા હતા. આજે ફાગણી પૂનમે દ્વારકામાં હૈયે-હૈયું દળાય તેવો ટ્રાફિક જામ થયો છે. જગતમંદિરે અદ્યતન બેરીકટીંગની વ્યવસ્થા સાથે લાખો લોકોએ દર્શન કર્યા હતા. લાખો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓએ દર્શન માટે કલાકો સુધી કતારો લાગવી લાઈનમાં ઉભા રહી દર્શન કર્યા છે. પવિત્ર ગોમતી ઘાટના તમામ ઘાટો પર આજે સ્નાન કરવા ભાવિકો ઉમટ્યા છે.

આજે ફાગણી પૂનમ અને રંગોનો તહેવાર હોળી હોવાથી યાત્રાધામ આજે ફાગણી પૂનમ અને હોળી હોવાથી અનેક લોકો દૂર-દૂરથી આવીને ભગવાન શ્રીદ્વારકાધીશની મંગળા આરતીનો લાભ લીધો હતો અને ત્યારબાદ પવિત્ર નદી ગોમતીમાં શ્રદ્ધાની ડૂબકી લગાડી અને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આજે સવારથી દ્વારકામાં હકડેઠઠ ભીડ જોવા મળી અને ગોમતી ઘાટના તમામ ઘાટ શ્રદ્ધાળુઓથી ભરાઈ ગયા હતા.અને ત્યારે સમગ્ર દ્વારકા ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અને લોકોએ તંત્ર અને પોલીસની વ્યવસ્થાને સુદ્રઢ ગણાવી હતી. જગતમંદિરમાં ભારે ટ્રાફિક છતાં દર્શન વ્યવસ્થાનાં પદયાત્રીઓ વખાણ કર્યા હતા.

ફૂલડોલ ઉત્સવ આવતીકાલે જગતમંદિરમાં બપોરનાં સમયે ઉજવાશે. ત્યારે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જગતમંદિર તરફના સમગ્ર માર્ગો પર બેરીકટીંગ અને સમીયાણા બાંધવામાં આવેલ હોવાથી લોકો કલાકો સુધી ઊભા રહ્યા હતા પરંતુ કોઈપણ ધક્કામુક્કી વગર શાંતિપૂર્વક દર્શન કર્યા હતા. આજે એક રાજકોટના નથુ બાપાના ૨૦૦૦ લોકોના પદયાત્રી સમૂહે ધ્વજા ચડાવી હતી. બપોર સુધીમાં લગભગ બે લાખ લોકોએ ગોમતીમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું હતું.