ખંભાળિયામાં હોળી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં હોળી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી.

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ હોળીની ગઈકાલે ગુરુવારે ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હુતાસણી પર્વ નિમિત્તે ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હોલિકા દહન સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવ્યા હતા.

હોળી પર્વ નિમિત્તે અત્રે ગાડીત પાડો વિસ્તારમાં આવેલી રજવાડાના સમયની પ્રાચીન રાવળી હોળીમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા અને પૂજન કરી હોળીની પ્રદક્ષિણા કરી હતી. આ ઉપરાંત અત્રે રામનાથ સોસાયટી, પોર ગેઈટ, રામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, નાગર પાડો વિગેરે જુદા જુદા વિસ્તારોમાં પરંપરાગત રીતે હોલિકા દહનના કાર્યક્રમો શુભ ચોઘડિયે યોજવામાં આવ્યા હતા.

અત્રે ગાડીત પાડામાં થતી પ્રાચીન અને પ્રખ્યાત રાવળી હોળીમાં શહેરમાં સૌપ્રથમ વખત વૈદિકહોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહન દરમિયાન બહેનોએ ધાણી, દાળિયા, ખજૂર અને શ્રીફળ વડે પૂજન કરી, અનેક ભક્તોએ હોળીની 108 પ્રદક્ષિણા કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

આ સાથે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોની વાડના ભવ્ય આયોજનો થયા હતા. આ ઉપરાંત રમત શોખીન યુવાનોએ વિવિધ પ્રકારની રમત વડે આનંદ સાથે મનોરંજન માણ્યું હતું. કેટલાક વિસ્તારોમાં હોળીના ફાગ પણ યોજાયા હતા. જેની મોજ લોકોએ માણી હતી.

હોળી પર્વ નિમિત્તે અહીંની શ્રી મહાપ્રભુજીની બેઠક, સેવાકુંજ હવેલી, દ્વારકાધીશની હવેલી, બાલમુકુંદ રાયજીની હવેલી, વિગેરે ધર્મ સ્થળોમાં ખાસ દર્શન તથા ઉત્સવો યોજાયા હતા.