રંગ બરસાને આયે નંદકિશોર : રાજાધિરાજના દરબારમાં જામ્યો હોળીખેલ, ભાવિકો અબીલ-ગુલાલની છોળોમાં તરબોળ

દ્વારકામાં ફૂલડોલની ધામધૂમથી ઉજવણી : જગતમંદિરમાં કાળિયા ઠોકર સંગે રંગે રમ્યા ભક્તો : ‘જય રણછોડ, જય માખણચોર’ના નાદ સાથે ડોલોત્સવ સંપન્ન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : રંગ બરસાને આયે હૈ નટવર નંદકિશોર.. રસિયા (ગીત)ની જેમ આજે રાજાધિરાજના દરબારમાં હોલીખેલ જામ્યો હતો અને ભાવિકો અબીલ-ગુલાલની છોળોમાં તરબોળ થયા હતા. આજે જગતમંદિરમાં લાખો ભક્તો કાળિયા ઠોકર સંગે રંગે રમતા વાતાવરણમાં ‘જય રણછોડ, જય માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. આમ, દ્વારકામાં ફૂલડોલની ધામધૂમથી ઉજવણી સાથે વસંતપંચમીથી 40 દિવસો સુધી ચાલતો ડોલોત્સવ સંપન્ન થયો હતો.

યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા છે. ત્યારે ગઈકાલે ફાગણી પૂનમના ગોમતી સ્નાન અને ભગવાન શ્રીદ્વારકાધીશના દર્શન કરી અને આજે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

જ્યારે હોળીની જાળ બેઠી હતી એટલે કે હોળાષ્ટક શરૂ થયા ત્યારથી ભગવાન દ્વારકાધીશને ચાંદીની પિચકારી ધરવામાં આવી હતી અને રોજ આરતી સમય ભગવાન શ્રીકૃષ્ણને રંગોથી ખેલાવવામાં આવતા હતા. ખાસ આજે લાખો ભક્તોએ જગતમંદિરમાં ભગવાન શ્રીદ્વારકાધીશ સાથે રંગે રમી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી છે.

આજે બપોરે ૧/૩૦થી ૩/૩૦ વાગ્યા સુધી પૂજારીઓ, ભક્તો અને ભગવાન રંગે રમ્યા હતા. આ તકે વહીવટી તંત્રના અધિકારીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો. છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે ત્રણ લાખ જેટલા લોકો કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા. ઠેર-ઠેરથી આવતા પદયાત્રીઓ અને સ્થાનિક દર્શનાર્થીઓની ભીડને કાબૂમાં લેવા, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા આશરે 1400 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા.

આમ, દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન શ્રીદ્વારકાધીશ સાથે ભક્તોએ રંગોત્સવ એટલે કે ફૂલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. મંદિરમાં ઉત્સવની આરતી કરાઇ અને હકડેઠઠ મેદની સાથે મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો.