ખંભાળિયાના સિંહણ ગામે જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સિંહણ ડેમના જળ સંચયની કામગીરીનું ખાતમૂહુર્ત કરી, જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં આશરે રૂપિયા 8 લાખના ખર્ચે 20 હજાર ઘન મીટર માટીકામનું ખોદાણ કરવામાં આવશે. જેના દ્વારા 200 લાખ લીટરનો નવો જળ સંગ્રહ કરી શકાશે અને સિંહણ ડેમની સંગ્રણ શક્તિમાં વધારો થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને સિંચાઈ અને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે અને પાણીના તળ ઊંચા આવે તે માટે લોકભાગીદારીથી આજે પાંચમા તબક્કાના સુજલામ સુફલામ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે, લોક ભાગીદારીથી થતા કામોની કામગીરી માટે માટી-મુરમ ખોદાણમાં ભાવો રૂ. 30 માંથી રૂ. 40 પ્રતિ ધન મીટર કરવામાં આવ્યા છે. જેમાં 60 ટકા રકમની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે જ્યારે 40 ટકા રકમ સંસ્થાએ પોતે ભોગવવાની રહેશે. આ માટે ડીસીલ્ટીંગને લગતી કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, રાજ્ય સરકારના જાહેર સાહસો અને એ.પી.એમ.સી. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું.

પુર્વ ધારાસભ્ય પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સતત જળ સંચયના નવા સ્ત્રોત ઉભા કરવાની દીશામાં કાર્યશીલ છે. પાણી એ પ્રભુની પ્રસાદી છે. ત્યારે ખેડુતોના પ્રશ્નોનોનું નિરાકરણ આવે અને ખેડુત ત્રણેય ઋતુ દરમ્યાન ખેતપેદાશ મેળવવા સક્ષમ બને તે માટે રાજ્ય સરકારએ લોકભાગીદારીથી સુજલામ સુફલામ જળ સંચયની યોજનાને શરૂ કરી આ ભગીરથ કાર્ય આરંભ્યું છે.

સુજલામ સુફલામ જળ સંચયની આ યોજના અંતર્ગત થયેલ કામોના પરિણામે સારો વરસાદ થવાથી મોટા પ્રમાણમાં જળ સંગ્રહ થશે જેનાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે અને સિંચાઈને પરોક્ષ અને પ્રત્યક્ષ લાભ થશે. ખેડુતોની આર્થિક અને સામાજિક પસિસ્થિતિ અને ખેત ઉત્પાદનમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અગાઉ રૂપિયા 278.29 લાખના 171 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી જિલ્લામાં 26 લાખ ઘન મીટર પાણીનો નવો સંગ્રહ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2021માં રૂપિયા 367.50 લાખના 231 કામો પૂર્ણ કરી, 10.37 લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેનાથી ભૂગર્ભ જળમાં વધારો તેમજ ખેડુતોને પરોક્ષ સિંચાઈના લાભો થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે જૂદા જુદા સાત વિભાગો દ્વારા આશરે રૂપિયા 653.64 લાખના 191 જેટલા કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કામો પૂર્ણ થતા જિલ્લામાં અંદાજીત 14.08 લાખ ઘન મીટર પાણીનો નવો સંગ્રહ થઈ શકશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, ખંભાળિયા તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર તથા ખેડુતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.