ખંભાળિયા નજીક કાળા પથ્થરની ખાણમાં ડૂબી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક કાળા પથ્થરની ખાણમાં ડૂબી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ થયું હતું.

ખંભાળિયાની જિલ્લા પંચાયત કચેરી નજીક આવેલી એક પથ્થરની ખાણમાં ડૂબી જવાના કારણે એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્રકરણ અંગે ફાયર વિભાગ દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીથી થોડે દૂર એક આવેલી એક કાળા પથ્થરની ખાણમાં ગઈકાલે સાંજે એક યુવાન ડૂબી ગયો હોવાનું સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જણાવવામાં આવ્યું હતું. આના અનુસંધાને જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ અને શનિવારે મોડી સાંજ સુધી આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો.

બાદમાં રવિવારે સવારથી પુનઃ ફાયરના જવાનોએ ઘટના સ્થળે શોધખોળનો પ્રારંભ કરાતા આ પાણીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નાથાભાઈ માધાભાઈ પરમાર નામનો આ યુવાન રાણાવાવ ખાતે રહેતો હોવાનું અને તે અહીં મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. જોકે આ બનવા અંગે મૃતકના સંબંધીઓ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી નથી.