ખંભાળિયામા સંભવત: યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા

ચાઈલ્ડલાઈન અને અભયમ દ્વારા કાર્યવાહી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામા સંભવિત રીતે યોજાનારા બાળ લગ્નને રોકવામાં આવ્યા હતા. જેમાં ચાઈલ્ડ લાઈન અને અભયમ દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

ખંભાળિયા પંથકમાં દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડલાઈન અને 181 અભયમને મળેલી બાતમીના આધારે અહીંના ડી.વાય.એસ.પી. નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ શહેરના એક સ્લમ વિસ્તારમાં યોજાનાર બાળ લગ્ન પૂર્વે તેને રોકવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સગીર બાળકીને ખંભાળિયા સ્થિત સખી વન-સ્ટોપ સેન્ટર પર આશરો આપવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી બાદ બાળકીને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ઘટનાની વિગત જાણી સમિતિના ચેરમેન ચન્દ્રશેખર બુધભટ્ટી તેમજ એડવોકેટ સભ્ય તુષારભાઈ ત્રિવેદી દ્વારા બાળકીના પુનઃસ્થાપન અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ રીતે ખંભાળિયામાં યોજાનાર સંભવિત બાળ લગ્નને અગાઉથી રોકવામાં આવ્યા હતા.

બાળ લગ્નએ એક સામાજીક દૂષણ છે. જેને અટકાવવા કોઈપણ સમાજમાં બાળલગ્નની ઘટનાઓ ન બને તે અંગે સરકારી ધોરણ મુજબ ઉંમર 18 વર્ષથી નીચેની વય ધરાવતી છોકરી અને 21 વર્ષથી નીચેની વય ધરાવતો છોકરો એમ બંને વચ્ચે થઈ રહેલા બાળલગ્ન જાણવા મળ્યે, 1098 ચાઈલ્ડલાઈન, 181 અભયમ, 100 પોલીસના નંબર ડાયલ કરીને અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને જાણ કરવા દ્વારકા જિલ્લા ચાઈલ્ડ લાઈન ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રા અને કો-ઓર્ડીનેટર નિતેશભાઈ પિંડારિયા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.