ખંભાળિયામાં શહીદ સ્મારક બનાવવા યુવા કાર્યકરોની રજૂઆત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ભારતને આઝાદી અપાવવા માટે અનેક વીર શહીદોનું અમૂલ્ય યોગદાન સાંપળ્યું છે. જેમાં આઝાદીની લડતમાં દેશના અનેક સપૂતો શહીદ થયા છે. જેને નિયમિત રીતે આખો દેશ યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાં પણ આવા વીર શહીદોના માનમાં વીર સ્તંભ- શહીદ સ્મારક (અમર જવાન) બનાવવામાં આવે તેવી રજૂઆત શહેરના રાષ્ટ્ર ભક્ત યુવા કાર્યકરો દ્વારા નગરપાલિકાના પ્રમુખને કરવામાં આવી છે.

શહેરના લોકો વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે અને નિયમિત રીતે આ સ્થળે વીર શહીદોની વીરતાને યાદ કરવામાં આવે તેવી રજૂઆત લેખિત રજૂઆત અહીંના સેવાભાવી નિકુંજભાઈ વ્યાસ વિગેરે દ્વારા પાલિકા તંત્ર તેમજ નેતાઓને કરવામાં આવી છે.