ઓખા-બૅટદ્વારકા ફેરીબોટના પેસેન્જર ભાડામાં વધારો ન કરાતા તા. 4થી ફેરીબોટો બંધ

લાયસન્સ ફીમાં ઘટાડાની માંગ સાથે ફેરીબોટના માલિકો-ટંડેલો દ્વારા ગુજરાત મેરિટાઇમ બોર્ડની ઓખા કચેરીમાં આવેદન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ઓખા-બૅટદ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરીબોટમાં પેસેન્જર ભાડું વધારી આપવા તથા લાયસન્સ અંગે લેવામાં આવતી ફીમાં રાહત કરી આપવા અંગે તથા બર્થ ભાડુંમાં ઘટાડો કરી આપવા અંગેની રજૂઆત સંબંધે કંઈ ન થતા તા. ૪/૪/૨૦૨૨ ના રોજથી ફેરીબોટો બંધ કરવા અંગે ઓખા-બેટદ્વારકા પેસેન્જર ફેરીબોટના માલિકો તથા ટંડેલો દ્વારા ગુજરાત મેરિટાઇમ બોર્ડ – ગાંધીનગરના મુખ્ય કારોબારી અધિકારીને સંબોધીને ઓખા કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે અરજદારો પેસેન્જર ફેરીબોટનો ધંધો વર્ષોથી કરે છે અને આ પેસેન્જર ફેરીબોટથી પરીવારનો નિભાવ કરે છે. હાલમાં છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી ઓખા બેટદારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરીબોટોનું ભાડુ રૂ।.૮/- સરકાર દ્વારા જે તે વખતે એટલે કે સને ૨૦૦૮ ની સાલમાં નકકી થયેલ હતા. તે વખતે ડીઝલના એક લીટરનો ભાવ રૂા.૩૪/- હતો. ત્યારબાદ ઉતરોતર મોંઘવારી વધતા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તથા પેટ્રોલ, ડીઝલમાં ભાવવધારો આવતો ગયેલ, તેમ-તેમ પેસેન્જર ફેરીબોટોનું ભાડુ વધારવા માટેની રજુઆતો લગત કચેરી તથા સરકારમાં કરતા ગયેલ પરંતુ હજુ સુધી કોઈ ભાવવધારો આપવામાં આવેલ નથી કે રજુઆત સબંધે કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ત્યારબાદ એક લીટર ડીઝલનો ભાવ આશરે રૂા.૭૪/– જેટલો થયેલ ત્યારે ભાવ વધારો સને-૨૦૧૮ માં માંગેલ અને તે વખતે સરકાર દ્વારા ૩ વર્ષ માટે એટલે કે ૨૦૧૮-૨૦૧૯, ૨૦૧૯-૨૦૨૦, ૨૦૨૦–૨૦૨૧ માટે પુખ્ત વયની વ્યકિત માટે એક તરફના રૂા.૨૦/- અને ૧૨ વર્ષ સુધીના વ્યકિત માટે એક તરફના રૂા.૧૦/– એ રીતે ભાવ વધારો આપેલ હતો. ત્યારબાદ હાલમાં ડીઝલના ભાવ રૂા.૧૦૦ ની આસપાસ થઈ ગયેલ છે અને ત્રણ વર્ષનો જે ભાડા વધારાનો સમયગાળો આપેલો તે પૂર્ણ થઈ ગયેલ છે તેમજ હાલમાં સને-૨૦૧૮ ની સાલના તથા હાલના સમયગાળામાં મોંધવારીનો પણ ખુબ જ વધારો થઈ ગયેલ છે અને માણસોના દૈનીક વેતનોમાં પણ ફેરફાર થઈને વધારો થઈ ગયેલ છે તેમજ બોટોનું મેઈન્ટેનન્સ પણ મોંઘુ થઈ ગયેલ છે.

તેથી, હાલમાં વ્યકિતગત જે ભાડુ છે તેમાં પણ પરવડતુ નથી અને ખોટનો ધંધો થાય છે. આવા સંજોગોમાં સરકારની ગાઈડલાઈન તથા પરીપત્રની જોગવાઇઓ તથા મોંઘવારીને તથા ડીઝલના ભાવો તથા દૈનીક માણસોના વેતન તથા દૈનીક બોટોના ખર્ચ વિગેરે તમામ બાબતો ધ્યાનમાં રાખીને વ્યકિત દીઠ પુખ્ય વયની વ્યકિતના એક તરફના રૂ।.પ૦/– તથા ૧૨ વર્ષ સુધીના વ્યકિત માટેના રૂા.૩૦/– એ રીતેનો વધારો કરી આપવા માટે તા.૮/૧૨/૨૦૨૧ ના રોજ ગુજરાત મેરિટાઇમ બોર્ડની ગાંધીનગર શાખામાં તથા ઓખા શાખામાં રજુઆત કરેલી તેમજ જી.એમ.બી. દ્વારા લાયસન્સ અંગે લેવાતી ફીમાં રાહત કરી આપવા માટે પણ તા. ૧૪/૨/૨૦૨૨ ના રોજ લેખીતમાં રજુઆત કરેલી તેમજ આજથી બે વર્ષ પહેલા બર્થ ભાડુ પણ ઘટાડો કરવા માટે આવેદન આપેલું તેમ છતાંય આ ત્રણેય બાબતોમાં સરકાર દ્વારા તથા કચેરીમાં કોઈપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવેલો નથી અને માત્ર સમય પસાર કર્યો છે અને કોવિડ–૧૯ ના સમયગાળામાં અંદાજે બોટો બે વર્ષ સુધી બંધ રહેલી અને તે સમયગાળામાં ભૂખ્યા મરવાનો વારો આવ્યો અને તે વખતની લાયસન્સ ફી પણ લેવામાં આવેલનું જણાવેલ છે.

આવા સંજોગોમાં કોઈ લાયસન્સ ફીની રકમ ભરી શકીએ તેવી પરીસ્થિતી હોય અને બે વર્ષ બોટો બંધ રહેલી તેમાં કોઈ રાહત ફેરીબોટવાળાઓને સરકાર દ્વારા આપવામાં આવેલ નથી અને હાલ ફેરીબોટવાળાઓ ખુબ દયનીય પરીસ્થિતીમાં તેમનું ગુજરાન ચલાવી રહયા હોય અને હાલ દીવસે ને દીવસે ફેરીબોટવાળાઓની પરીસ્થિતી કથડતી જાય છે. આવા સંજોગોમાં તાત્કાલીક પેસેન્જર ફેરીબોટનું ભાડુ વધારી આપવા તથા લાયસન્સ અંગેની લેવાતી ફીમાં રાહત કરી આપવા તથા ભાડામાં તાત્કાલીક અસરથી ઘટાડો કરી આપવાની કચેરીમાં તા.૧૦/૩/૨૦૨૨ ના રોજવાળી આ સાથે રજુ રાખેલ અરજી મોકલાવેલી, જે આપની કચેરીને તા.૧૪/૩/૨૦૨૨ ના રોજ મળી ગયેલી અને તે મળી ગયાના આજરોજ દશ દીવસનો સમયગાળો થઈ જવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નહીં કે આ બાબતે કોઈ નિર્ણય કરેલ ન હોય, તેથી નાછુટકે તા.૪/૪/૨૦૨૨ ના રોજ અચોકકસ મદતથી ફેરીબોટો બંધ રહેશે.