દ્વારકાની આધેડ મહિલાનું સૌરાષ્ટ્ર મેલ ટ્રેન હડફેટે કમકમાટીભર્યું મોત

પોલીસે ઘટના અકસ્માત છે કે આપઘાત તે જાણવા તપાસ હાથ ધરી

(રિશી રૂપારેલિયા) દ્વારકા : આજે સવારે 11:00 ઓખાથી ઉપડી મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર મેલ દ્વારકા તરફ આવી રહી હોય ત્યારે દ્વારકા રેલવે સ્ટેશનથી લગભગ એક કિલોમીટર પહેલા એક આધેડ મહિલા ટ્રેન હડફેટે ચડતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક 57 વર્ષીય માણેક પુનીબેન હોવાનું માલમ પડ્યું છે. મૃતક મહિલા દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં જય આશાપુરા બેકરી પાસે રહેતા હતાં. હાલમાં દ્વારકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

પ્રાપ્ત વિગતો અનુસાર આજે તા.26.03.22 ના રોજ સૌરાષ્ટ્ર મેલ જે ઓખાથી મુંબઇ તરફ જતી હોય, તે ટ્રેન નીચે દ્વારકા રેલવે સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર અંતરે, દ્વારકાના નરસંગ ટેકરી ખાતે રહેતા પુનીબેન સનાભા માણેક નામની 57 વર્ષીય આધેડ મહિલા ટ્રેન નીચે આવી કપાઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ દ્વારકા 108ને થતા દ્વારકા 108ના પાયલોટ રોહિત કાંબરીયા તથા ઇએમટી દિનેશ ગોહેલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ મહિલાનું મોત થતા, દ્વારકા પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસ ટીમ ઘટના સ્થળે જઇ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી, આ ઘટના અકસ્માત છે કે આપઘાત તેની તપાસ પોલીસે હાથ ધરી છે.