ખંભાળિયા નજીક બાઇકને ઠોકર મારી, ચાલક યુવાનનું મૃત્યુ નીપજાવનાર કારચાલકની શોધખોળ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક કારે બાઇકને ઠોકર મારતા ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં આરોપી કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.

ખંભાળિયા જ-મનગર ધોરીમાર્ગ પર ગઈકાલે સોમવારે પૂરપાટ જતી એક મોટરકારની હેરફેટે બાઈક પર જઈ રહેલા બે મિત્રો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે સંદર્ભે ખંભાળિયા પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર બનાવવા અંગેની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા-જામનગર હાઈ-વે પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 37 બી. 9651 નંબરની સ્વીફ્ટ ડિઝાયર મોટરકારના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 એફ 5298 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના નઝીરભાઈ ઓસમાણભાઈ ભાયા તથા તેમના મિત્ર મુસ્લિમભાઈ નામના બે મિત્રો સાથેના મોટરસાયકલને અડફેટે લીધું હતું. આ જીવલેણ ટક્કરમાં નઝીરભાઈ ઓસમાણભાઈ ભાયાને ગંભીર ઈજાઓ થતા ઘટનાને સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના મિત્ર મુસ્લિમભાઈને પણ પગમાં ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત સર્જી, આરોપી મોટરકાર ચાલક કાર મૂકીને નાસી ગયો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના ભાઈ અસગરભાઈ ઓસમાણભાઈ ભાયા (રહે. ભરાણા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સ્વિફ્ટ ડીઝાયાર કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(એ), 337, 338 તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.