દ્વારકા જિલ્લામાં ધો. 10-12 બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપરમાં 322 પરીક્ષાર્થીઓ ગેરહાજર

એસએસસીના 287 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા : ધોરણ 12ની પરીક્ષામાં કુલ 35 વિદ્યાર્થીઓ ગેરહાજર

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દ્વારકા જિલ્લામાં એસએસસીના પ્રથમ પેપરમાં 287 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા અને ધોરણ 12 ની પરીક્ષામાં પ્રથમ દિવસે કુલ 35 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓનો ગઈકાલે સોમવારથી પ્રારંભ થયો છે. ગઈકાલે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10 તથા 12 ના પેપરો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા છે. એક પણ ગેરરીતિનો બનાવ સામે આવ્યો નથી.

સોમવારે પ્રથમ દિવસે ધોરણ 10 ના ગુજરાતી સહિતના વિષયના પેપરમાં કુલ 8,926 વિદ્યાર્થીઓ પૈકી 8,639 વિદ્યાર્થીઓએ પેપર આપ્યું હતું. જ્યારે 287 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જ્યારે પ્રથમ દિવસે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ વિભાગના નામાના મૂળતત્વો વિષય માટે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના કુલ 1,518 વિદ્યાર્થીઓ પૈકી 1,488 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 30 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું નોંધાયું છે. આ સાથે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ત્રણ સેન્ટરોમાં લેવામાં આવેલી પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન વિષયના કુલ 364 પૈકી 359 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આમ પ્રથમ દિવસે એકંદરે શાંતિપૂર્ણ રીતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.