અમરેલી જિલ્લા જેલનો પાકા કામનો આરોપી કલ્યાણપુર તાલુકામાંથી ઝડપાયો

વાહન મેળવીને નાસી જાય તે પૂર્વે એલસીબી પોલીસે દબોચી લીધો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના એક આરોપીએ અમરેલીની જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન મેળવી ગયા બાદ અને પરત હાજર ન ફરતા જિલ્લા એલસીબી પોલીસે ઉપરોક્ત આરોપીને મોડી રાત્રીના સમયમાં હાઈવે માર્ગ પરથી ઝડપી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ધાના કચરાભાઈ વરમલ નામના શખ્સ સામે નોંધવામાં આવેલી ફરિયાદના અનુસંધાને ફેમિલી અદાલતે ઉપરોક્ત આરોપીને જેલની સજા ફટકારતો હુકમ કર્યો હતો. પાકા કામના કેદી એવા ભાટીયાના રહીશ ધાના કચરાભાઈ વરમલ થોડા સમય પૂર્વે 60 દિવસના વચગાળાના જામીન મેળવી અને ગયા બાદ આ અંગેની મુદત ગત તારીખ 20 માર્ચના રોજ પૂરી થતી હોવા છતાં તે અમરેલી જિલ્લા જેલ ખાતે પરત ફર્યો ન હતો. આથી ફરાર થઈ ગયેલા પાકા કામના કેદી એવા ધાનાભાઈ કચરાભાઈ વરમલ કલ્યાણપુર તાલુકામાં આવ્યો હોવાની બાતમી પરથી એલ.સી.બી. પોલીસે ગત તારીખ રાત્રે 3:30 વાગ્યે આ શખ્સને ભાટીયા-કલ્યાણપુર ગામ વચ્ચેના રોડ પર વાહનની રાહ જોઈને ઉભો હોવાની માહિતીને આધારે આ શખ્સની ઝડપી લેવામાં આવ્યો હતો.

આ શખ્સની અટકાયત કરી, આગળની કાર્યવાહી અર્થે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ અંગેની કામગીરી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સૂચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, જીતુભાઈ હુણ, ગોવિંદભાઈ કરમુર તથા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.