ખંભાળિયા માર્કેટિંગ યાર્ડની જનરલ બોર્ડ સંપન્ન: રૂ. છ લાખના પુરાંતલક્ષી બજેટને મંજૂરી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મહત્વના એવા માર્કેટિંગ યાર્ડની નવી નિમાયેલી બોડી તથા હોદ્દેદારોની પ્રથમ સામાન્ય સભા ગઈકાલે ગુરુવારે સાંજે યાર્ડની કચેરી ખાતે યોજાઇ હતી. માર્કેટિંગ યાર્ડની આ પ્રથમ જનરલ બોર્ડમાં નવનિયુક્ત ચેરપર્સન ચંદુબા પ્રતાપસિંહ જાડેજાએ આગામી વર્ષ 2022-23 માટેનું રૂપિયા 1.95 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષાંતે રૂપિયા છ લાખની પુરાંતનો અંદાજ રાખવામાં આવ્યો છે.

અહીંના માર્કેટિંગ યાર્ડમાં આગામી સમયમાં રીનોવેશન તથા વિવિધ જરૂરી વિકાસ કાર્યો માટે રૂપિયા 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત આ બેઠકમાં અન્ય જરૂરી મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. યાર્ડના તત્કાલીન ચેરમેન પી.એસ. જાડેજાના નેતૃત્વ હેઠળ છેલ્લા થોડા સમયમાં જ કરોડોના રૂપિયાના વિકાસ કામો તેમજ અનેકવિધ માળખાકીય સુવિધાઓ પ્રાપ્ય બનાવી, છેલ્લા પંદરેક વર્ષના સમયગાળામાં શૂન્યમાંથી સર્જન કરવામાં આવ્યું છે. આના પરિણામે અગાઉ કર્જમાં ડૂબેલા માર્કેટીંગ યાર્ડ પાસે હાલ આશરે છ કરોડથી વધુનું ફંડ જમા થયું છે.

આગામી સમયમાં નવા ગોડાઉન તથા અન્ય વધારાની સગવડો માટે સરકાર પાસેથી નવી જગ્યાની માંગણી કરી, આધુનિક પ્રકારના ગોડાઉન બનાવવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલની સગવડોમાં સમય અનુરૂપ જરૂરી સુધારા-વધારા તથા આધુનિકીકરણ માટે પણ અંદાજપત્રમાં ચોક્કસ રકમ ફાળવવામાં આવી છે.

આ ઉપરાંત વર્તમાન સદસ્ય તેમજ પૂર્વ ચેરમેન પી.એસ. જાડેજાએ માર્કેટીંગ યાર્ડના રોજિંદા સંચાલન બાબતે પણ નવા વરાયેલા સદસ્યોને વહીવટી મુદ્દાઓથી વાકેફ કરી, જરૂરી સૂચનો તથા આ માટે વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેન ચંદુબા પી. જાડેજા સાથે વાઈસ ચેરમેન જેન્તીભાઈ ડી. નકુમ, પ્રભાત કાળુભાઈ ચાવડા, સહિતના ડાયરેક્ટર્સ જોડાયા હતા.