કલ્યાણપુરના હર્ષદ ગામે અગાઉના મનદુઃખનો ખાર રાખી બે પરિવારો વચ્ચે મારામારી

મહિલાઓ સહિત પંદર સામે ફરિયાદ નોંધાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામે મુસ્લિમ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે અગાઉની થયેલી બોલાચાલી સંદર્ભે બઘડાટી બોલી જવા પામી હતી.જેમાં લોખંડના પાઈપ, ધોકા જેવા હથિયારોનો છૂટથી ઉપયોગ કરી મારામારી કરવામાં આવી હતી.જેમાં મહિલાઓ સહિત કુલ 15 સામે રાયોટિંગ સહિતના ગુના સંદર્ભેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર ખાતે રહેતા હમીદાબેન નાસીરભાઈ કાદરભાઈ પટેલિયા નામના 22 વર્ષના મુસ્લિમ મહિલાના નણંદ દુલજાબેનના દિયર અસગર સાથે તાજેતરમાં વરવાળા ગામે યોજાયેલા ઉર્ષમાં બોલાચાલી થઇ હતી.આ અંગેનું મનદુઃખ રાખી ગફુર સુલેમાનભાઈ પટેલિયા,રસીદ પ્રફુલભાઈ પટેલિયા,સાબીરાબેન ગફૂરભાઈ પટેલિયા,ઇરફાન સલીમભાઈ,અફસાનાબેન ગફૂરભાઈ પટેલિયા,મોસીન ગફૂરભાઈ પટેલિયા,સલીમ અબ્દુલભાઈ અને હુરબાઈ સલીમભાઈ નામના કુલ આઠ પરિવારજનોએ એકસંપ કરી,સમાન ઈરાદો પાડવાના હેતુથી ગેરકાયદેસર મંડળી રચી અને લોખંડના પાઇપ, લોખંડની કરવત, ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.અને મારામારી કરી હતી.

આ શખ્સોએ ફરિયાદી હમીદાબેન પટેલિયા તેમજ તેમના પિતા નાસીરભાઈ દેર અસગરભાઈ તથા કાદરભાઈ ઉપર હુમલો કરી હથિયારો વડે ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આરોપીઓ એક બિભત્સ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હમીદાબેન પટેલિયાની ફરિયાદ પરથી તમામ આરોપીઓ સામે રાયોટીંગ સહિતની કલમ 323, 324, 143, 147, 148, 149, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રકરણમાં સામાપક્ષે હર્ષદ બંદર ખાતે રહેતા ગફુરભાઈ સુલેમાનભાઈ પટેલિયા (ઉ.વ. 50) એ નાસિર કાદર, ઈકબાલ ઉર્ફે અપાલ કાદર, કાદર લાણા, બસિર કાદર, ફાતમાબેન કાદર, તેમની પુત્રી દૂલજા અને હમીદા નાસીર નામના સાત વ્યક્તિઓ સામે કલ્યાણપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી ગફુરભાઈના સંતાનો ઉર્ષના મેળામાં ગયેલ હોય જ્યાં આરોપી કાદરભાઈના સંતાનો સાથે બોલાચાલી તથા ગાળાગાળી થઈ હતી.જેથી ફરિયાદી ગફુરભાઈના પત્નીએ ઝઘડો નહીં કરવાનું કહેતા આ બાબતનું મનદુઃખ રાખી આરોપી પરિવારે ગેરકાયદેસર મંડળી રચી અને કુહાડી તથા લાકડી જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો.જેમાં ફરિયાદી ગફુરભાઈના પત્ની સાબીરાબેન,તેમની પુત્રી રાશિદ,જમાઈ ઈરફાન,બીજી પુત્રી અફસાના પુત્ર મોહસીનને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

આ બનાવમાં આરોપીઓએ મનદુખ રાખી,બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસે રાયોટીંગ સહિતની કલમ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આ સમગ્ર પ્રકરણની આગળની તપાસ પી.એસ.આઈ. એફ.બી.ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.