દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ બેડામાં સામુહિક બદલીનો ગંજીફો ચીપાયો

41 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતા જિલ્લા પોલીસ વડા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના જુદાજુદા પોલીસ મથક તથા વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સામૂહિક બદલીના ઓર્ડરો જારી કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા ગઈકાલે શુક્રવારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ તથા એલ.સી.બી., એસ.ઓ.જી. વિગેરે વિભાગોમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઇ., સહિતના પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલીનો હુકમ જારી કર્યો છે.

જેમાં નરેન્દ્રસિંહ રાઠોડ, ખંભાળિયાના પબુભાઈ માયાણી, સલાયાના કરણકુમાર સૌંદરવા, દ્વારકાના પ્રવીણભાઈ મથર અને ઓખાના ખેતસીભાઈ મુનને જિલ્લા એસ.ઓ.જી. શાખામાં, ખંભાળિયાના ગોવિંદભાઈ કરમુર, વાડીનારના મેહુલભાઈ રાઠોડ, કલ્યાણપુરના અરજણભાઈ આંબલીયા અને સચીનભાઈ નકુમ, સલાયાના કેતનભાઈ બડલ અને ભાણવડના જયદેવસિંહ જાડેજાને એલ.સી.બી. શાખામાં મૂકવામાં આવ્યા છે.

જ્યારે એલ.સી.બી.ના ભરતભાઈ ચાવડાને ભાણવડ, વિપુલભાઈ ડાંગરને પેરોલ ફર્લો સ્કવોડમાં, એલસીબીના નરસીભાઇ સોનગરાને એમ.ટી. શાખામાં, ભાણવડના પી.જે. ભાટીયાને ખંભાળિયામાં, કલ્યાણપુરના કરસનભાઈ ચેતરીયાને ભાણવડ, હેડ ક્વાર્ટરના જૈમિનભાઈ ડોડીયાને ખંભાળિયા, ખંભાળિયાના હેમતભાઈ નંદાણીયાને સલાયા, દ્વારકાના જાગૃતિબા ઝાલાને ખંભાળિયા, હેભાભાઈ ચાવડાને સાઇબર ક્રાઈમ સેલ વિભાગમાં, ખંભાળિયાના રાજુભાઈ ડામોરને ટ્રાફિક વિભાગમાં, ગિરિરાજસિંહ ગોહિલને મીઠાપુર પોલીસ મથકમાં, જ્યારે વાડીનાર મરીનના પારસભાઈ અસવાર અને ભાણવડના રામજીભાઈ ભોચિયાને ખંભાળિયાની ડીવાયએસપી ઓફિસમાં મૂકવામાં આવ્યા છે.