સતવારા યુવકને નગરપાલીકામાં ઈજનેરની નોકરીમાંથી છુટા કરવાના વિરોધમાં સમાજના આગેવાનોના ધરણાં

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ભાણવડ નગરપાલીકામાં ઈજનેરની નોકરી કરતા સતવારા સમાજના દિકરાને ગેરકાયદેસર નોકરીમાંથી છૂટા કરવા સબબ ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. અને ધરણાં પહેલા ભાણવડના વોર્ડ નંબર 2ના નગરપાલિકા સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન હીનાબેન કણજારિયા એ ભાણવડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.

આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ભાણવડ નગરપાલીકામાં ઈજનેરની જરૂરત પડતા, વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાત મુજબ ભરતી કરવા માટે, ગુજરાત રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઈન્ટરવ્યુ માટે આવેલા હતા. આ ઈન્ટરવ્યુ બાદ ગુજરાત રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓએ નોકરી માટે લાયક ઉમેદવારની પેનલ બનાવી હતી. આ પેનલમાં સતવારા સમાજના યુવાન પ્રણવ પરમારની પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રણવ પ૨મારને માત્ર એક માસની નોકરી બાદ તેને ચીફ ઓફિસર મયુર જોશીએ પોતાની મનસ્વી રીતે, તેમજ સદંતર ખોટા આક્ષેપો કરી, કાઢી મુકેલ છે. આથી નગરપાલીકાની કારોબારી સમિતીએ ઠરાવ કરવા છતાં, આ પ્રણવ પરમારને નોકરીએ લેવામાં આવેલ નથી. આ રીતે સતવારા સમાજના યુવાનને ઘોર અન્યાય કરવામાં આવી રહેલ છે.

સતવારા સમાજના યુવાનને થયેલ અન્યાય વિરૂધ્ધ અવાજ ઉઠાવવા માટે તા. ૦૨/૦૪/૨૦૨૨ના દિવસે ૧૧-૦૦ થી ૦૨-૦૦ વાગ્યા સુધી ભાણવડના ખરાવાડમાં ધરણા કરવામાં આવ્યા હતા.