ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય શાળાના શિક્ષિકાની કૃતિ અવ્વલ: સન્માનિત કરાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ગત તા. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ન્યૂ જર્સી (અમેરિકા) થી પ્રકાશિત થતા આંતરરાષ્ટ્રીય મેગેઝીન “દેશ પરદેશ મેગેઝીન” ના ચેરમેન નિમિષભાઈ પટેલ, બ્રાન્ડ એમ્બેસેડર ઈવાબેન પટેલ તેમજ મેગેઝીનનાં કમિટી મેમ્બરો દ્વારા “દેશભક્તિ અને શૌર્યગીત કાવ્ય લેખન સ્પર્ધા” યોજવામાં આવી હતી.

જેમાં સમગ્ર વિશ્વમાંથી અનેક સર્જકોએ પોતાનાં કાવ્યો મોકલ્યા હતા. તેમાં શ્રેષ્ઠ 100 રચનાઓમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામની વાઘેરવાસ તાલુકા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા પલ્લવીબેન જટણીયાની રચનાને પણ સ્થાન મળ્યું છે. જે ટૂંક સમયમાં “કાવ્ય અમૃત” પુસ્તકરૂપે પ્રકાશિત થશે. વિશેષમાં આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયામાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે.

આથી પલ્લવીબેનને તેમની રચના માટે રેકોર્ડ ઓફ ઈન્ડીયા હોલ્ડર વિથ ગોલ્ડ મેડલથી સન્માનિત પણ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ “કાવ્ય અમૃત” પુસ્તકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.