દ્વારકામાં શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : હાલ દિવસેને દિવસે ચકલીઓ નામ શેષ થતી જાય છે. ત્યારે છેલ્લા 12 વર્ષથી ચકલીઓને બચાવવા અને આકરા તાપથી તેમને બચાવવા સતત પ્રયાસ કરાઇ રહ્યો છે. જેના ભાગરૂપે શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ઉનાળાનો તડકો પ્રાણી માત્રને હંફાવી રહ્યો છે. સરકાર દ્વારા તડકાથી બચવા આહવાન કરવામાં આવી રહ્યા છે. હવા, પ્રદૂષણ તેમજ અવાજ પ્રદૂષણના કારણે ખાસ કરીને ચકલીઓ તેમજ અનેક નાના પક્ષીઓ લુપ્ત થવાને આરે છે. ત્યારે લોકોમાં ચિચિબાઈ ચકલીની વિશેષ જાગૃતતા કેળવાઈ તેવા શુભ હેતુસર દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા આશરે પાંચસો જેટલા માળા તથા પાંચસો જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા દ્વારકાના દરેક પક્ષી પ્રેમી લોકોએ તથા સમાજના અગ્રણીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તથા લોકોને ઘરના છત તથા માળીયા પર ધરના નકામા વાસણોમાં પાણી ભરી રાખવા તથા દાણા નાખવા ટ્રસ્ટના પ્રમુખ ઇશ્ર્વરભાઇ ઝાખરીયા દ્વારા આગ્રહ કરાયો હતો.

આ તકે મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ આ નિ:શુલ્ક ચકલીઓના માળા અને કુંડા લેવા લાઈનો લગાવતા લોકોમાં ચકલીઓ પ્રત્યે જાગૃતિ જોવા મળી હતી. આ તકે રઘુવંશી સોશ્યલ ગ્રુપના કનુંભાઈ હિન્ડોચા, અગ્રણી અશ્વિનભાઈ ગોકાણી, ભાજપ આગેવાન રમેશભાઈ હેરમાં, નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સમાની સહિતના આગેવાનોએ હાજર રહી ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી.