દિલ્હીની ગ્રામ વિકાસ મંત્રાલયની ટીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

સ્વચ્છ સર્વેક્ષણ સર્વેની કામગીરીની ચકાસણી કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સમગ્ર દેશમાં સ્વચ્છતાની પહેલ માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સ્વચ્છતાને ફરજ સમજી સ્વચ્છતા જાળવવા માટે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ- 2 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સંપુર્ણ સ્વચ્છતા જળવાય રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશના તમામ ગામડાને સ્વચ્છ રાખવા માટે સરકાર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. “મારૂ ગામ સ્વચ્છ ગામ”ની પહેલ કાર્યરત કરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત થયેલા સર્વેની કામગીરીની ચકાસણી માટે ગ્રામ વિકાસ મંત્રાલય- દિલ્હી ખાતેથી અધિકારીઓ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

ગ્રામ વિકાસ મંત્રાલયથી ડો. અનુ ત્રિપાઠી (પીએમયુ) અને તેમની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આ ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા કલ્‍યાણપુર તાલુકાના લાંબા ગામની સ્‍થળ મુલાકાત લઇ, સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત કરાયેલા કામનું નિરીક્ષણ થયું હતું. આ ટીમ લાંબા ગ્રામ પંચયાત કચેરી ખાતે સરપંચ સાથે સંવાદ કરી ગામની સ્‍થિતિ અંગે જાણકારી મેળવ્યા બાદ ઘન કચરા વ્‍યવસ્‍થાપન અને પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિષે માર્ગદર્શન આપ્‍યું હતું. આ અંગેની જિલ્‍લા કક્ષાની અને તાલુકાની ટીમ તથા સરપંચ અને તલાટી મંત્રી ઉપસ્‍થિત રહેવાની સાથે સર્વેની ચકાસણી કામગીરીમાં જરૂરી સહકાર આપ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ભાવેશ ખેર અને તાલુકા વિકાસ અધિકારી આર.એલ. ડગરા સાથે બેઠક યોજી જિલ્‍લામાં સ્‍વચ્‍છ ભારત મિશનની થયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્‍લાના તમામ ગામો ઓડીએફ પ્‍લસનો દરજ્જો પ્રાપ્‍ત થાય તે દિશામાં આગામી સમયમાં કામગીરી હાધ ધરવામાં માટે સુચન કરવામાં આવ્યું હતું.